હિંમતનગર પાસે ગેરકાયદેસર દેશી બંદૂક સાથે બે ઝડપાયા: સાબરકાંઠા SOG ની સફળ કામગીરી

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ₹૧૦,૦૦૦ ની કિંમતની એક દેશી બનાવટની ફુલ્લીદાર એક નાળી બંદૂક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સુચના મુજબ સાબરકાંઠા SOG પી.આઈ. એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.યુ. ચૌધરી અને પી.એસ.આઈ. પી.એમ. ઝાલા સહિતનો સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશવંતસિંહ અને કોન્સ્ટેબલ કલ્પેશકુમાર કેશવલાલને ખાનગી બાતમી મળી હતી કે હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલ પઠાણ ફાર્મ હાઉસની બાજુમાં વાંધામાં બે ઇસમો હાથમાં હથિયાર લઈને ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને આરોપીઓને ગેરકાયદેસર બંદૂક સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
-
સાજનભાઈ ઉર્ફે કાળુ ઈબ્રાહિમભાઈ સિંધી (રહે. દેલવાડા, તા. ખેરાલુ, જી. મહેસાણા)
-
આબીદ ઈકબાલ સિંધી (રહે. વડાગામ, તા. ધનસુરા, જી. અરવલ્લી)
SOG ટીમે બંને આરોપીઓ વિરૂદ્ધ ‘ધી આર્મ્સ એક્ટ’ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેમને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા છે.




