હિમતનગર

હિંમતનગર લો કોલેજના વિદ્યાર્થીઓ માટે સાબરડેરી ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન: લેબર લૉ અંગે મેળવ્યું વ્યવહારુ જ્ઞાન

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લો કોલેજ, હિંમતનગર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે વ્યવહારુ અનુભવ પૂરો પાડવાના હેતુથી એક ખાસ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. એલ.એલ.બી.ના અભ્યાસક્રમમાં આવતા ‘લેબર લૉ’ (શ્રમ કાયદાઓ) વિષયના ભાગરૂપે તારીખ ૨૩/૦૯/૨૦૨૬, બુધવારના રોજ વિદ્યાર્થીઓ માટે ઉત્તર ગુજરાતની શિરમોર સમી ‘સાબરડેરી’ (હિંમતનગર) ની અભ્યાસ મુલાકાત ગોઠવવામાં આવી હતી.

આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન કોલેજના ૪૫ જેટલા કાયદાના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર સહિતના સ્ટાફ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સાબરડેરીના વિવિધ વિભાગો જેવા કે પ્રોસેસિંગ પ્લાન્ટ, પેકેજિંગ યુનિટ, ક્વોલિટી કંટ્રોલ અને વહીવટી શાખાની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.

ખાસ કરીને ‘લેબર લૉ’ ના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને ડેરીના માનવ સંસાધન (HR) અને કાયદાકીય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમમાં કામદારોના હિતોનું રક્ષણ, શ્રમ કાયદાઓનું અમલીકરણ, ફેક્ટરી એક્ટ, કામદારોની સુરાક્ષા અને કલ્યાણકારી યોજનાઓ તથા ઔદ્યોગિક વિવાદોના નિવારણ અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાયદાના વિદ્યાર્થીઓએ ફેક્ટરી પરિસરમાં શ્રમ કાયદાઓનું પ્રત્યક્ષ રીતે કેવી રીતે પાલન થાય છે તે નજીકથી નિહાળ્યું હતું.

સમગ્ર મુલાકાતને સફળ બનાવવામાં લો કોલેજના સ્ટાફ ગણ, ઉત્સાહી વિદ્યાર્થીઓ તેમજ સાબરડેરીના અધિકારીઓ અને કર્મચારીઓનો ખૂબ જ સરાહનીય સાથ-સહકાર સાંપડ્યો હતો. આ વ્યવહારુ અભ્યાસ મુલાકાતથી વિદ્યાર્થીઓને કાયદાના પુસ્તકીય જ્ઞાનને ક્ષેત્રિય અનુભવ સાથે જોડવાની ઉત્તમ તક મળી હતી. મુલાકાતના અંતે કોલેજ પરિવાર દ્વારા સાબરડેરી મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!