હિંમતનગરમાં ૧૬ કેન્દ્રો પર યોજાશે ગુજકેટ પરીક્ષા, ૩૦૭૧ વિદ્યાર્થી તૈયાર

શીતલ ઠાકર,ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૬ની પરીક્ષા રવિવારે હિંમતનગરના ૧૬ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. જેમાં કુલ ૩૦૭૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રોના તમામ બ્લોકમાં બેઠક નંબર લખી દેવામાં આવ્યા છે અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે ૨૦ બ્લોકમાં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત આચાર્ય દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે.
આ પરીક્ષા સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ગ્રુપ-એમાં ૯૧૪, ગ્રુપ-બીમાં ૨૧૪૫ અને ગ્રુપ-એબીમાં ૧૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ ૨૫૦૬ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને ૫૬૪ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે.
તમામ ૧૬ પરીક્ષા કેન્દ્રોના કુલ ૧૫૭ બ્લોકને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જેથી પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાઈ શકે. તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.




