તલોદ

સાબરકાંઠા: તલોદના રોજડ ગામે ભાજપને મોટો ફટકો, ૧૫૦થી વધુ કાર્યકરો કૉંગ્રેસમાં જોડાયા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મોટો राजकीय ફટકો પડ્યો છે. તલોદ તાલુકાના રોજડ ગામના ભાજપના વિવિધ મોરચા અને સંગઠન સાથે જોડાયેલા ૧૫૦થી વધુ સક્રિય કાર્યકરો તથા હોદ્દેદારોએ ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કૉંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો.

આ જોડાણ કાર્યક્રમ તલોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ એસ. કે. ઝાલા તથા સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે કૉંગ્રેસના આગેવાનો દ્વારા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરોનું ખેસ પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રોજડ ગામના કૉંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે વિવિધ પ્રશ્નો અંગે થતી ઉપેક્ષા તથા લોકપ્રશ્નોના નિરાકરણ અંગેની અસંતોષની લાગણીને પગલે તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કૉંગ્રેસ પક્ષની વિચારધારા અને લોકહિતલક્ષી અભિગમમાં વિશ્વાસ વ્યક્ત કરીને કૉંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે તલોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ એસ. કે. ઝાલા અને સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રોજડ ગામમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો કૉંગ્રેસ સાથે જોડાતા તાલુકા તથા જિલ્લા સ્તરે પક્ષના સંગઠનમાં નવા કાર્યકરોનો ઉમેરો થયો છે. તેમણે નવા જોડાયેલા કાર્યકરોને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

આ જોડાણ કાર્યક્રમમાં તલોદ તાલુકા કૉંગ્રેસ તથા સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!