“પેનલ તૂટશે તો પાંચ વર્ષ હોદ્દો નહીં!” હિંમતનગરમાં ભાજપ નેતાની ચેતવણી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નગરપાલિકા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશતા ભાજપે પ્રચારમાં સંપૂર્ણ તાકાત ઝોકી છે. બુધવારે મોડીરાત્રે શહેરના વિવિધ વોર્ડોમાં જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, ઉમેદવારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતીમાં સભાઓ યોજાઈ હતી.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે કાર્યકરો અને ઉમેદવારોને કડક સંદેશ આપતા જણાવ્યું હતું કે, જો કોઈ વોર્ડમાં પેનલ તૂટશે અથવા ક્રોસ વોટિંગ સામે આવશે તો જીતેલા ઉમેદવારને પણ આગામી પાંચ વર્ષ સુધી કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શિસ્ત અને સંગઠનની ચૂંટણી છે, જેમાં ભાજપ કોઈપણ પ્રકારની અશિસ્ત સહન કરશે નહીં. સાથે જ મતદારોને ભાજપના તમામ પેનલ ઉમેદવારોને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.
સભા દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષ પાસે ઉમેદવારોનો અભાવ હોવાથી બહારથી ઉમેદવારો લાવવામાં આવે છે અને બાદમાં ઈવીએમ પર આક્ષેપો કરવામાં આવે છે.
હિંમતનગરના વિવિધ વોર્ડોમાં યોજાયેલી સભાઓમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વિકાસકાર્યોની વિગતો રજૂ કરી ભાજપને બમ્પર મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, સાંસદ, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




