સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ : ભાજપનો દબદબો, કોંગ્રેસ અને આપની નોંધપાત્ર હાજરી

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં પરિણામો જાહેર થયા છે. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં ભાજપે નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે.
જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોમાંથી ભાજપે ૨૮ બેઠકો જીતી ભવ્ય બહુમતી મેળવી છે. કોંગ્રેસને ૩ બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ૩ બેઠકો જીતી જિલ્લામાં પ્રવેશ નોંધાવ્યો છે.
તાલુકા પંચાયતની કુલ ૧૬૬ બેઠકોમાંથી ભાજપે ૯૯ બેઠકો પર વિજય મેળવી આગેવાની જાળવી રાખી છે. કોંગ્રેસને ૪૬ બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ૧૭ બેઠકો જીતી પ્રભાવ દર્શાવ્યો છે. ખાસ કરીને પોશીના તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબ્જો મેળવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
નગરપાલિકા અને પ્રાંતિજ વિસ્તારમાં પણ ભાજપ મજબૂત રહ્યું છે. કુલ ૯૭ બેઠકોમાંથી ભાજપે ૬૯ બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસને ૨૭ બેઠકો મળી છે, જ્યારે ૧ બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે.
વડાલી નગરપાલિકામાં કોંગ્રેસે કબ્જો મેળવી મહત્વપૂર્ણ જીત નોંધાવી છે.
આ ઉપરાંત વિજયનગર તાલુકાની ચિતરીયા બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાબરકાંઠાના આ પરિણામોએ જિલ્લામાં ભાજપનો દબદબો યથાવત હોવાનું દર્શાવ્યું છે, સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ કેટલીક જગ્યાએ પોતાની હાજરી નોંધાવી છે.




