ટોપ સ્ટોરીઝ

પોશીનામાં ઘરેલુ ભારત ગેસ સિલિન્ડરોનો કોમર્શિયલ ઉપયોગ બેફામ, કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

પોશીનામાં ઘરેલુ ભારત ગેસ સિલિન્ડરોનો કોમર્શિયલ ઉપયોગ બેફામ, કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

પોશીના ગામમાં ચાલતી હોટલો, કેન્ટીનો તેમજ ચાની લારીઓ પર ઘરવપરાશના (રહેણાક) ભારત ગેસ સિલિન્ડરોનો ખુલ્લેઆમ કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘરેલુ ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવો કાયદેસર ગુનો હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોશીના વિસ્તારમાં અનેક હોટલો અને ચાની લારીઓ પર ઘરેલુ ભારત ગેસ સિલિન્ડરોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ઘરવપરાશના ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. સાથે જ ઘરેલુ ગેસ સિલિન્ડરોની ઊંચા ભાવે કાળાબજારી થતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાણકારોના જણાવ્યા મુજબ ઘરેલું ગેસ સિલિન્ડરનો હોટલ, રેસ્ટોરન્ટ કે અન્ય વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવો એ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, 1955 હેઠળ ગુનો બને છે. આ કાયદા મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરી શકાય છે તેમજ સાત વર્ષ સુધીની જેલ સજાની જોગવાઈ પણ છે. તપાસ દરમિયાન જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં ઘરેલું સિલિન્ડર મળી આવે તો પુરવઠા વિભાગ દ્વારા તે સિલિન્ડર તાત્કાલિક જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ઉપરાંત ભારે દંડ ફટકારવાની જોગવાઈ પણ અમલમાં છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં પુરવઠા વિભાગ દ્વારા ઘરેલુ ગેસના ગેરવપરાશ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે, ત્યારે પોશીના વિસ્તારમાં પણ તંત્ર દ્વારા દરોડા પાડી હોટલો, કેન્ટીનો અને ચાની લારીઓ પર ચાલતા ઘરેલુ ગેસ સિલિન્ડરના કોમર્શિયલ ઉપયોગને સત્વરે બંધ કરાવવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે ગેસ સિલિન્ડરનો આ પ્રકારનો ગેરકાયદેસર ઉપયોગ સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી સાબિત થઈ શકે છે. હવે સ્થાનિક વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગ ક્યારે કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!