અંબાજીમાં ખુલ્લેઆમ વરલી-મટકા જુગારનો ધંધો ? સ્થાનિકોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ

અંબાજી ખાતે ખુલ્લેઆમ વરલી-મટકા (આંકડા)નો જુગાર ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અંબાજીના મેન સર્કલ પાસે રાજપૂત સમાજવાડી સામે આવેલ નાસા ફાઉન્ડેશનના અંદરના ભાગમાં છેલ્લા લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું કહેવાય છે.
લોકચર્ચા મુજબ “પિન્ટુ એસ.ટી.ડી.વાળો” તરીકે ઓળખાતો વ્યક્તિ આ સમગ્ર જુગારધંધાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવી રહ્યું છે. જણાવવામાં આવે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે અને રોજબરોજ લાખો રૂપિયાનો વેપાર થતો હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે. અંદાજે રોજના ચારથી પાંચ લાખ રૂપિયાના હેરફેરની ચર્ચાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોય, તો તેની પાછળ કોનું સંરક્ષણ કાર્યરત છે? તેમજ આ સમગ્ર પ્રવૃત્તિનો વહીવટ કોણ કરે છે? જો સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યાત્રાધામ અંબાજીમાં જાહેરમાં ચાલતી આવી પ્રવૃત્તિઓને કારણે સમાજ અને કાયદો-વ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ધર્મપ્રેમી જનતા દ્વારા સંબંધિત તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર મામલે સત્વરે તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવે અને અંબાજીમાં ચાલી રહેલા વરલી-મટકા (આંકડા)ના જુગારના દૂષણને બંધ કરવામાં આવે




