ટોચના સમાચાર

ખુમારી અને સાદગીનું પ્રતીક: ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડે પોતાના ખર્ચે ખોદાવેલો ટેબડાનો કૂવો આજે પણ બુઝાવી રહ્યો છે લોકોની તરસ

આજના સમયમાં જ્યારે રાજકારણ અને જનપ્રતિનિધિઓ વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે, ત્યારે ખેડબ્રહ્મા વિસ્તારના એક એવા પૂર્વ ધારાસભ્યનો ઈતિહાસ સામે આવ્યો છે જે સાચે જ ગર્વ લેવા જેવો છે. વર્ષ 1967 થી 1971 સુધી ખેડબ્રહ્મા વિસ્તારના ધારાસભ્ય રહેલા સ્વ. જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડ (જેઠાભાઈ બી. રાઠોડ) ની સાદગી, લોકસેવા અને પાણી પ્રત્યેની દૂરંદેશી આજે પણ પંથકમાં ચર્ચાનો વિષય છે.

તેમના પૌત્ર બીરબલભાઈ રાઠોડે તેમના વિશેની કેટલીક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાતો મીડિયા સમક્ષ શેર કરી છે.

જેઠાભાઈ રાઠોડ ‘સ્વતંત્ર પક્ષ’ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તત્કાલીન કોંગ્રેસના શક્તિશાળી ઉમેદવારને હરાવીને વિજેતા બન્યા હતા. ધારાસભ્ય હોવા છતાં તેમની સાદગી એવી હતી કે તેઓ પોતાની ચૂંટણીનો પ્રચાર સાઇકલ પર કરતા હતા. એટલું જ નહીં, ગાંધીનગર વિધાનસભાના સત્રોમાં જવા માટે પણ તેઓ સામાન્ય નાગરિકની જેમ એસ.ટી. બસ (ST Bus) નો જ ઉપયોગ કરતા હતા. તેમના પૌત્રના નિવેદન અનુસાર, જેઠાભાઈ ધારાસભ્ય બન્યા પછી તેમનું મુખ્ય લક્ષ્ય પાણીના સ્ત્રોતો ઊભા કરવા અને પાણી બચાવવાનું હતું. તે સમયે જીવવા માટે ખેતી જ મુખ્ય આધાર હતો અને ખેતી માટે પાણી અનિવાર્ય હતું. આથી તેઓ વિધાનસભામાં હંમેશા તળાવો ઊંડા કરવા, નવા તળાવો બનાવવા કે કુવા ઊંડા કરવા જેવી બાબતોની જ રજૂઆતો કરતા હતા. તેમણે 70 ના દાયકામાં એક સહકારી મંડળી પણ બનાવી હતી, જેનો લાભ સ્થાનિક લોકોએ મોટા પાયે લીધો હતો.તેમની પ્રજાહિતની ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ટેબડાનો કૂવો. 60 ના દાયકામાં જ્યારે તેઓ ધારાસભ્ય પદ પર કાર્યરત હતા, ત્યારે તેમણે આ કૂવો કોઈ સરકારી ગ્રાન્ટમાંથી નહીં પરંતુ પોતાના વ્યક્તિગત ખર્ચે ખોદાવ્યો હતો. સાત દાયકા (લગભગ 60-70 વર્ષ) પહેલાં બનેલા આ કુવાનું પાણી આજે પણ એટલું જ શુદ્ધ છે અને આજુબાજુ રહેતા સ્થાનિક લોકો આજે પણ આ કૂવાના પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે.


રાજકારણમાં આટલું મોટું કદ હોવા છતાં, તેમણે પોતાનું આખું જીવન અત્યંત ગરીબી અને સામાન્ય સ્થિતિમાં વિતાવ્યું હતું. તેઓ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટેના BPL કાર્ડધારક હતા. ગત 12 મે 2023ના રોજ 86 વર્ષની ઉંમરે આ લોકલાડીલા અને પ્રમાણિક પૂર્વ નેતાનું અવસાન થયું હતું.

આજે ભલે જેઠાભાઈ આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે પોતાના ખર્ચે લોકકલ્યાણ માટે બનાવેલો કૂવો અને તેમની પ્રમાણિકતાની વાતો આજે પણ ખેડબ્રહ્માના લોકોના હૃદયમાં જીવંત છે.

ચિમન ગમાર પોશીના

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!