સાબરકાંઠા

વાવણીલાયક વરસાદથી સાબરકાંઠાના ખેડૂતોમાં ખુશી, ૭૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર

સાબરકાંઠા જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. મંગળવારે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, પોશીના સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખરીફ પાકોની વાવણીમાં જોતરાઈ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૭૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે, જ્યારે આગામી દિવસોમાં વરસાદ યથાવત્ રહે તો વાવેતરનો વિસ્તાર વધુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી પડેલા વરસાદે ખેડૂતોને મોટી રાહત આપી છે. મંગળવારે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે બુધવારથી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતો મગફળી, કપાસ, સોયાબીન, મકાઈ, લીલા ઘાસચારા સહિતના પાકોની વાવણી શરૂ કરી દીધી છે.

વાવણીની સીઝન શરૂ થતાં હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને અન્ય કૃષિ સામગ્રીના વેપારીઓને ત્યાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ, સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો પહેલાથી જ આગોતરી વાવણી કરી ચૂક્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં પડેલા વરસાદથી આ પાકોને પણ નોંધપાત્ર ફાયદો થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે ૭૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેશે તો વાવેતરનો વ્યાપ વધુ વધે તેવી શક્યતા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, જ્યારે ૨૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયું છે. ઉપરાંત ૨ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં સોયાબીનનું વાવેતર પણ થયું છે. હાલ ખેડૂતો મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન, મકાઈ અને લીલા ઘાસચારા જેવા પાકોની વાવણીને પ્રાધાન્ય આપી રહ્યા છે.

જિલ્લાના અંતરિયાળ વરસાદ આધારિત વિસ્તારોમાં પણ ખેડૂતો હવે વાવણીમાં જોતરાયા છે. કૃષિ નિષ્ણાતોના મતે હાલનો વાવણીલાયક વરસાદ ખેડૂતો માટે લાભદાયી સાબિત થયો છે અને આગામી અઠવાડિયામાં જિલ્લામાં વાવેતરનો કુલ વિસ્તાર નોંધપાત્ર રીતે વધે તેવી શક્યતા છે. મંગળવારે પડેલા વરસાદ બાદ હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકના અનેક ખેડૂતો કયારીવાળી જમીનમાં ડાંગરની રોપણીનું કાર્ય પણ શરૂ કરી ચૂક્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!