માતાના મઢ ખાતે નવરાત્રી મહોત્સવની પૂર્વતૈયારીઓ અંગે તંત્રની બેઠક યોજાઈ
અબડાસા ધારાસભ્ય, પ્રાંત અધિકારી અને તમામ વિભાગના અફસરો રહ્યા ઉપસ્થિત; ભક્તો માટે પીવાનું પાણી, સાફ-સફાઈ અને વાહન વ્યવહાર અંગે મહત્વના નિર્ણયો લેવાયા

આગામી પવિત્ર નવરાત્રી મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે શ્રી આશાપુરા માતાજીના ધામ માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા એક ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્સવ સુજવલ, મામલતદાર નવીનચંદ્ર મારૂ, તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદે, નારાયણ સરોવર મહિલા પી.આઈ. જે.બી. કુનીયા, માતાના મઢ જાગીર ટ્રસ્ટી ખેંગારસિંહ જાડેજા, વિનોદભાઈ સોલંકી તથા સરપંચ કાશમભાઈ પ્રજાપતિ સહિત તમામ સંબંધી વિભાગોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી મુખ્ય વ્યવસ્થાઓ:
-
સાફ-સફાઈ: ગ્રામ પંચાયત દ્વારા મેળાવડા દરમિયાન દિવસમાં ત્રણ ટાઈમ નિયમિત સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
-
વાહન વ્યવહાર: એસ.ટી. નિગમ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ૧૬૫ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.
-
પાણી પુરવઠો: પાણી પુરવઠા વિભાગ દ્વારા દર્શનાર્થીઓ માટે ૨૪ કલાક નિરંતર પીવાના પાણીની વ્યવસ્થા ચાલુ રખાશે.
-
સુરક્ષા બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
-
દર્શન વ્યવસ્થા: ભક્તોની ભીડને સુચારૂ રીતે નિયંત્રિત કરવા દર્શન માટે ગેટ નંબર-૪ થી પ્રવેશ અને દર્શન કર્યા બાદ બહાર નીકળવા માટે ગેટ નંબર-૩ નો ઉપયોગ કરવાનો રહેશે.
(તસ્વીર: દર્શન સોની, દયાપર)




