હિંમતનગરમાં AHPનો ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજાયો
પ્રવીણ તોગડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં 111 કાર્યકર્તાઓને ત્રિશૂલ દીક્ષા અપાઈ

હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલી કચ્છી પાટીદાર સનાતન સમાજવાડી ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગ દળ, હિંમતનગર તાલુકા દ્વારા સનાતન હિન્દૂ સંમેલન તથા ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં AHPના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. પ્રવીણ તોગડિયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. પ્રવાસ દરમિયાન વિવિધ તાલુકાઓમાં AHP અને બજરંગ દળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે હિંમતનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સોસાયટીઓમાં હનુમાન ચાલીસાના આયોજન તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન ‘માય ફ્રેન્ડ ગણેશજી’ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 111 કાર્યકર્તાઓને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી. સાથે જ નવરાત્રી અને વિજયાદશમીના પર્વે ઘરે શસ્ત્રપૂજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યુવાનોને સંગઠન સાથે જોડવા માટે અભિયાન ચલાવવાની પણ વાત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં AHPના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા, રાષ્ટ્રીય મહામંત્રી માલાબેન રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી જયંતીભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મહામંત્રી અમૃતજી ઠાકોર, સાબરકાંઠા જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ કનકસિંહ ઝાલા, વિભાગ પ્રમુખ તથા મહામંત્રી વિજયભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




