હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લો કોલેજમાં ‘શિક્ષક દિન’ની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બની શૈક્ષણિક કાર્ય સંભાળ્યું

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લો કોલેજ, હિંમતનગર ખાતે તારીખ ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવારના રોજ ભારતના મહાન શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ‘શિક્ષક દિન’ની ખૂબ જ ભાવસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશેષ દિવસે કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજનો વહીવટ અને શૈક્ષણિક કાર્ય જાતે સંભાળીને એક દિવસ માટે વિવિધ સ્ટાફ સભ્યોની ભૂમિકાઓ આબેહૂબ ભજવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ, અધ્યાપક (પ્રોફેસર), ક્લાર્ક, લાઈબ્રેરીયન તેમજ સેવક તરીકેની વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અદા કરી હતી.
વિદ્યાર્થી-શિક્ષકોએ વર્ગખંડોમાં જઈને કાયદાના વિવિધ વિષયોનું રસપ્રદ અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. આ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય અને કોલેજના વહીવટી સંચાલનનું મહત્ત્વ તેમજ શિક્ષકોની મહેનતનો પ્રત્યક્ષ ખ્યાલ આવ્યો હતો.
કાર્યક્રમના અંતે કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ અને સ્ટાફગણ દ્વારા તમામ ભાગલેનાર વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફ મિત્રોના અભૂતપૂર્વ સહયોગથી અત્યંત સફળ અને યાદગાર રહ્યો હતો.




