હિમતનગર

હિંમતનગરમાં વેપારીઓના ભારે વિરોધ બાદ તંત્ર જાગ્યું: ગાંધીરોડ અને નવા બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ અને ઓઇલ બોલ નાખવાની કામગીરી શરૂ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગાંધીરોડ અને નવા બજાર વિસ્તારના વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આખરે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અટકેલા વિકાસકામો, રસ્તા વચ્ચે નડતરરૂપ વીજ થાંભલા અને ટ્રેન્ચમાં ભરાતા ગંદા પાણીને કારણે વધેલા મચ્છરોના ઉપદ્રવ સામે વેપારીઓએ મૌન હડતાળ પાડીને નગરપાલિકામાં ધારદાર રજૂઆત કરી હતી. જેના પગલે મંગળવારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં વ્યાપક સ્તરે દવા છંટકાવ અને ઓઇલ બોલ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

૩ વર્ષથી અધૂરા કામો અને મચ્છરોના ઉપદ્રવથી વેપારીઓ તંગ

હિંમતનગરના મુખ્ય વેપારી મથક એવા ગાંધીરોડ અને નવા બજાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી રોડની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી અટકેલી પડી છે. રસ્તાની બંને બાજુએ બનાવવામાં આવેલી ટ્રેન્ચોમાં સતત ગંદુ પાણી ભરાયેલું રહેતા અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ મચ્છરજન્ય રોગચાળાના ભય અને વેપાર-ધંધા પર પડતી વિપરીત અસરને કારણે વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

મોઢે કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી હતી

સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સોમવારે સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી મૌન-પ્રતીક હડતાળ પાડી હતી. વેપારીઓએ મોઢે કાળી પટ્ટી બાંધી અને હાથમાં પ્લેકાર્ડ લઈને મૌન રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓની આક્રમક રજૂઆતને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમામ પડતર માંગણીઓ અને કામગીરી પૂર્ણ કરવાની લેખિત/મૌખિક ખાતરી આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ૪ ટીમો મદાનમાં: ઓઇલ બોલ અને DDTનો છંટકાવ

વેપારીઓના વિરોધના બીજા જ દિવસે, મંગળવારે તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની હતી. આરોગ્ય તંત્ર દ્વારા ૮ સભ્યોની ૪ વિશેષ ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

  • વિસ્તાર: ખાડીયા હનુમાનજી મંદિરથી ગાંધીરોડ સુધીના સમગ્ર વિસ્તારમાં.

  • કામગીરી: ટ્રેન્ચોમાં ભરાયેલા ગંદા પાણીમાં મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે ડીડીટી (DDT) પાવડરને પાણીમાં ઓગાળીને સ્પ્રે કરવામાં આવ્યો હતો.

  • વિશેષ પગલાં: પાણીની સપાટી પર મચ્છરોના પોષણ અને પ્રજનનને અટકાવવા માટે ટ્રેન્ચમાં બંને તરફ ઓઇલ બોલ નાખવામાં આવ્યા હતા.

નગરપાલિકાએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે, ત્યારે વેપારીઓ હવે તંત્ર દ્વારા આપેલા વચન મુજબ સમયસર કામગીરી પૂરી થાય તેની રાહ જોઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!