સાબરકાંઠામાં અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર કમિટીની બે દિવસીય મુલાકાત
ઈડરના લાલોડામાં સ્થળ નિરીક્ષણ બાદ હિંમતનગરમાં હિતધારકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં આવેલી અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ અને વિસ્તારમાં ચાલી રહેલી માઇનિંગ (ખનન) પ્રવૃત્તિઓની પર્યાવરણીય અસર અંગે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના હુકમના અનુસંધાને રચાયેલી હાઈ પાવર કમિટી દ્વારા બે દિવસીય વિસ્તૃત મુલાકાત યોજવામાં આવી હતી. કમિટીએ સ્થળ નિરીક્ષણ કરી માઇનિંગ ક્ષેત્રોની સ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ તમામ હિતધારકો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી હતી.
લાલોડા વિસ્તારમાં માઇનિંગ લીઝનું સ્થળ નિરીક્ષણ
મુલાકાતના ભાગરૂપે હાઈ પાવર કમિટી દ્વારા ઈડર તાલુકાના લાલોડા વિસ્તારની સીધી મુલાકાત લેવામાં આવી હતી. લાલોડા ખાતે આશરે ૮ એકર વિસ્તારમાં પથરાયેલી પાંચ જેટલી માઇનિંગ લીઝ અંગે કમિટીના સભ્યોએ બારીકાઈથી માહિતી મેળવી હતી. કમિટીએ ડુંગરોમાં થયેલા ભારે ખોદકામ, માઇનિંગની વિપરીત અસરો અને આસપાસની કુદરતી વનસ્પતિ તથા પર્યાવરણની પ્રત્યક્ષ સ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું.
હિંમતનગર અને ઈડરમાં હિતધારકો સાથે બેઠકોનો દોર
સ્થળ તપાસ પૂર્ણ કર્યા બાદ ઈડર નગરપાલિકા જીમ હોલ તથા હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે કમિટી દ્વારા ખાસ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, માઇનિંગ લીઝધારકો, સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, અગ્રણીઓ અને પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિટીએ અરવલ્લી ગિરીમાળાની અખંડિતતા, સંરક્ષણ, જમીનના ઉપયોગ અને માઇનિંગથી થતા પર્યાવરણીય નુકસાન અંગે તમામ પક્ષોના મંતવ્યો અને રજૂઆતો ગંભીરતાથી સાંભળ્યા હતા.
અરવલ્લી બચાવવા અને માઇનિંગ લીઝ બંધ કરવા માંગ
બેઠક દરમિયાન ‘ઈડર ગઢ બચાવો સમિતિ’ અને સ્થાનિક પ્રકૃતિપ્રેમીઓએ અરવલ્લીના સંરક્ષણ માટે મજબૂત રજૂઆતો કરી હતી. પર્યાવરણપ્રેમી હિરેન પંચાલ અને ઈડર ગઢ બચાવ સમિતિના સભ્ય યોગેશ સથવારા સહિતના અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અરવલ્લી એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે સમૃદ્ધ વનસ્પતિ, ઘાસચારા, જળ સ્ત્રોતો અને અસંખ્ય વન્યજીવોનું કુદરતી નિવાસસ્થાન છે. અરવલ્લીની કુદરતી સંપત્તિને બચાવવા માટે નુકસાનકારક તમામ માઇનિંગ લીઝ તુરંત અસરથી બંધ કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી હતી.બીજી તરફ, માઇનિંગ લીઝધારકો દ્વારા પણ પોતાના વ્યવસાય અને કાનૂની પાસાઓને લગતા અલગ અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા.
તૈયાર થનારા અહેવાલ પર સૌની નજર
હાઈ પાવર કમિટીએ તમામ હિતધારકો, અધિકારીઓ અને પ્રકૃતિપ્રેમીઓની રજૂઆતોની નોંધ લીધી છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન મેળવેલી માહિતી અને વિવિધ પક્ષોના અભિપ્રાયોના આધારે કમિટી દ્વારા એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવશે. હવે આ અહેવાલ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આવનારા આગામી નિર્દેશો પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે.




