હિંમતનગર-અમદાવાદ રોડ પર ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું: ૩ યુવતીઓ મુક્ત
એએચટીયુ (AHTU) ની ટીમે બાતમીના આધારે ઓમ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ત્રણ ઇસમોની અટકાયત કરી

હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલી કાટવાડ ચોકડી નજીક એક કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના રેકેટનો એએચટીયુ (Anti Human Trafficking Unit) ની ટીમે પર્દાફાશ કર્યો છે. ગુરુવારે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા અને ત્યાં ફસાયેલી ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી હેમખેમ મુક્ત કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એએચટીયુના પી.આઈ. એસ.બી. ચૌધરી તથા તેમની ટીમને બાતમી મળી હતી કે કાટવાડ ચોકડી રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે ‘રાજ ગેસ્ટ હાઉસ’ની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મેઘરાજ ગોતાજી પટેલ, ચેનસિંગ રાવ અને માનસિંગ રાવ દ્વારા ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી શરીરસુખ માણવાની સગવડો પૂરી પાડવામાં આવતી હતી અને આ ધંધામાં ત્રણ યુવતીઓને સંડોવવામાં આવી હતી.
પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરી ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી હતી. આ અંગે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ (PITA) ૧૯૫૬ની કલમ ૩(૧)(૨), ૪ અને ૫(૧)(એ)(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. ૧,૦૦૦ રોકડા અને રૂ. ૧,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




