ઘી કાંટા કોર્ટ અમદાવાદ ખાતે ભાડા વિધેયક અને અરનેશ કુમાર ચુકાદાના વિરોધમાં વકીલોના વિરોધ પ્રદર્શન સાથે ભૂખ હડતાળની જાહેરાત

અમદાવાદ સ્થિત ઐતિહાસિક ઘી કાંટા કોર્ટ (મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ) પરિસરમાં વકીલ સમુદાય દ્વારા વિવિધ માંગણીઓને લઈને આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ માં ન્યાયિક સત્તા વહીવટી તંત્રને સોંપવાની જોગવાઈઓ અને અરનેશ કુમાર ચુકાદાના સંદર્ભમાં વકીલો દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
આ આંદોલનના ભાગરૂપે વકીલ રમેશ એન. પરમાર દ્વારા મંગળવારથી શાંતિપૂર્ણ ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય માંગણીઓ:
-
ગુજરાત ભાડા વિધેયક-2026 માં સુધારો: ભાડા વિધેયકમાં ન્યાયિક સત્તા વહીવટી તંત્રને સોંપતી જોગવાઈઓ પર પુનર્વિચાર કરવામાં આવે અને ન્યાયાલયની સ્વતંત્રતા જળવાઈ રહે.
-
પ્રોડક્શનની સત્તા કોર્ટ પાસે: આરોપી કે પક્ષકારોના પ્રોડક્શનની સત્તા પોલીસ પાસે રહેવાના બદલે તમામ પ્રોડક્શન માત્ર કોર્ટ સમક્ષ જ થાય.
-
વકીલો અને પક્ષકારોના હિતોનું રક્ષણ: વકીલ સમાજની રજૂઆતોને યોગ્ય રીતે સાંભળવામાં આવે તથા પક્ષકારો અને વકીલોના હિતોનું પૂર્ણ રક્ષણ થાય.
ઘી કાંટા કોર્ટ ખાતે ‘JUSTICE FOR LAWYERS’ ના નારા સાથે વકીલોએ એકજૂટ થઈ ન્યાયિક સ્વતંત્રતા અને વકીલ હિતો માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.




