ગાંધીધામમાં પાટીદાર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી: પ્રાચીન પરંપરા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને ભાવિ-ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આસો નવરાત્રીના નવે-નવ દિવસ દરમિયાન ખેલૈયાઓએ માતાજીના રાસ-ગરબાની રમઝટ બોલાવીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.
પરંપરાગત રાસ-ગરબાનું સુંદર આયોજન
નવરાત્રી મહોત્સવ અંગે માહિતી આપતાં હર્ષાબેન પોકાર જણાવ્યું હતું કે, સમાજ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે. તેમણે ભૂતકાળના સંસ્મરણો વાગોળતાં ઉમેર્યું હતું કે, “જ્યારે સમાજના વડીલ તેજા બાપા હાજર હતા, ત્યારે જૂના અને પરંપરાગત ગરબા ગવાતા હતા અને તેઓ પોતે જ ઉત્સાહભેર તબલા વગાડીને માહોલ જમાવતા હતા.”
આ અંગે વાતચીત કરતાં સંગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરા મુજબ જ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેનાથી નવી પેઢી પણ આપણી સંસ્કૃતિથી જોડાયેલી રહે છે.
સમાજના ભાઈ-બહેનોમાં ભારે ઉત્સાહ
આયોજન અંગે ખુશી વ્યક્ત કરતાં ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષના નવરાત્રી મહોત્સવમાં સમાજના તમામ લોકોએ એકઠા થઈને માતાજીની આરાધના કરી છે અને ગરબે રમીને ખૂબ જ આનંદ મેળવ્યો છે. નવે-નવ દિવસ દરમિયાન નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ ભક્તિ ઉત્સવમાં જોડાઈને લીન બન્યા હતા.
અહેવાલ / રિપોર્ટર: દર્શન સોની (દયાપર)




