હિંમતનગરના મોતીપુરા ખાતે તાલ ગ્રુપ દ્વારા ‘તાલરાત્રિ’નું ભવ્ય આયોજન: 32 વર્ષથી અવિરત ચાલતી ગરબાની પરંપરા

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરના મોતીપુરા નજીક આવેલા સૂર્યોદય પાર્ટી પ્લોટ ખાતે તાલ ગ્રુપ દ્વારા ‘તાલરાત્રિ’ ગરબામહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩૨ વર્ષથી અવિરતપણે ગરબાનું આયોજન કરતી તાલ ગ્રુપે આ વર્ષે પણ ધાર્મિક પરંપરા, ઉત્સાહ અને ભક્તિભાવને જીવંત રાખ્યો હતો.
આ વર્ષે ‘તાલરાત્રિ’ નવા રૂપ અને નવા સ્વરૂપ સાથે ખેલૈયાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આયોજનમાં નવી પેઢી (યંગ જનરેશન)થી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ લોકોને પસંદ આવે અને સુવિધા રહે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરબાના તાલે ઝૂમી ઉઠેલા ખેલૈયાઓમાં અનોખો આનંદ, ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ગરબા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મની રક્ષા, ભક્તિભાવ અને સંસ્કૃતિ-પરંપરાને આગળ વધારવાનો છે. તાલ ગ્રુપના આયોજકોએ હિંમતનગરની સમસ્ત જનતા, ખેલૈયાઓ અને મા અંબાના ભક્તોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “છેલ્લા ૩૨ વર્ષથી હિંમતનગરવાસીઓ તરફથી મળી રહેલો અવિરત સાથ અને સહકાર જ અમારી સૌથી મોટી પ્રેરણા છે.”
આયોજકોએ આગામી વર્ષોમાં પણ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગરબાની આ ભવ્ય પરંપરાને વધુ સારી રીતે ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




