હિંમતનગર નાગરિક બેંક ચૂંટણી મામલે મહત્વનો હુકમ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી મામલો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આગામી ૧૧ તારીખે યોજાવાની રહેલી બેંકની ચૂંટણી પૂર્વે મોટો કાનૂની વળાંક આવ્યો છે.બેંકમાં છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારો સામે બોર્ડ ઓફ નોમિનીઝમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ દાવા અંગે બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા આજે મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.બોર્ડ ઓફ નોમિનીઝે બેંકના ચૂંટણી અધિકારીને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૧૦-એ (૨-એ)નો અમલ કરવા સ્પષ્ટ આદેશ કર્યો છે. આ હુકમના પગલે બેંકના અંદાજે ૬ જેટલા જુના ડિરેક્ટરોની ઉમેદવારી સામે લટકતી તલવાર ઉભી થઈ છે.આ નિર્ણયથી બેંકની ચૂંટણી પ્રક્રિયા પર સીધી અસર પડે તેવી શક્યતા છે. સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર શરૂ થઈ છે. આ સાથે જ અસરગ્રસ્ત ઉમેદવારો દ્વારા આગામી દિવસોમાં હાઇકોર્ટનું શરણું લેવાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ મામલે આગળ શું વળાંક આવે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.




