પ્રાંતિજના આમોદરાની ફેકટરીના સંચાલકોએ ચાઈનાથી મંગાવેલ મટેરીયલ ન આપી રૂા. ૬૭.પ૬ લાખ લઈ વિશ્વાસઘાત કરતા ફરીયાદ
ચાઈનાની કંપનીએ રકમ ઈન્ડોનેશિયામાં ટ્રાન્સફર કરાવી હાથ ઉંચા કરી દીધા

જીજ્ઞેશ સોની હિંમતનગર
પ્રાંતિજ તાલુકાના આમોદરાની સીમમાં આવેલ એક ખાનગી કંપનીમાં એલ્યુમિનિયમ કમ્પોઝીટ પેનલની શીટ બનાવવાનું કામ થતું હતુ ત્યારે કંપનીના સંચાલકોએ લગભગ સાડા ત્રણ મહિના અગાઉ ચાઈનામાં આવેલ વાગલીડા સ્થિત એક કંપનીમાંથી શીટ બનાવવા માટે કલર કોટેડ એલ્યુમિનિયમ ફોઈલનું રો-મટેરીયલ મંગાવ્યું હતુ. ત્યારબાદ અવારનવાર વોટસઅપના માધ્યમથી વાતચીત કરાયા બાદ આમોદરાના ભાગીદારે ચાઈનાની આ ફેકટરીને અંદાજે રૂા. ૬૭,પ૬,૬૬પ ભારતીય ચલણ મુજબ ઈન્ડોનેશિયાની બેંકમાં મોકલી આપ્યું હતુ. ત્યારબાદ ચાઈનાની આ કંપનીએ આ એકાઉન્ટ અમારી કંપનીનું નથી તેમ કહી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતાં આમોદરા સ્થિત ફેકટરીના સંચાલકે ચાઈનાની આ ખાનગી કંપની વિરૂધ્ધ બુધવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.આ અંગે મનિષ ભવંરલાલ સાંખલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧પ ઓક્ટોબર ર૦રપ ના રોજ આમોદરા સ્થિત માપેનલ કંપની એલ્યુમિનિયમ કમ્પોઝીટ પેનલ શીટ બનાવતી હોવાથી તેના ઉપયોગમાં આવતા કલર કોટેડ એલ્યુમિનિયમ ફોઈલનું રો-મટેરીયલ ચાઈનાના વાગલીડા સ્થિત ન્યુ મટેરીયલ ટેકનોલોજી કંપનીમાંથી મંગાવવા માટે બંને પક્ષે વોટસઅપ ગ્રુપથી માહિતીની આપ-લે કર્યા બાદ માપેનલ કંપની ધ્વારા ભારતીય ચલણ મુજબ રૂા. ૬૭,પ૬,૬૬પ રકમ ડોલરમાં બદલાવીને એકાઉન્ટ નં. ૦૪૧ર૦૧૦૦ર૬૪૯પ૬૬ માં મોકલી આપ્યું હતુ.આ એકાઉન્ટ ઈન્ડોનેશિયાની પી.ટી રાકાય બેંકમાં જમા કરાવ્યા બાદ ચાઈનાની આ કંપનીના સંચાલકોએ આમોદરાના સંચાલક સામે હાથ ખંખેરી દીધા હોય તેમ ઈન્ડોનેશિયાનું આ એકાઉન્ટ અમારી કંપનીનું એકાઉન્ટ નથી તેમ કહી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતાં માપેનલ કંપની વતી મનિષ સાંખલાએ બુધવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અનેક ભારતીયોને ચાઈનાની ચીજવસ્તુઓ ખરીદવાનું ઘેલું લાગ્યું છે ત્યારે ચીજવસ્તુ મંગાવતા અગાઉ પુરતી ચોકસાઈ રાખવી હિતાવહ છે.
ચાઈનાની કંપનીમાંથી કલર કોટેડ એલ્યુમિનીયમ ફોઈલનું મટેરીયલ મંગાવ્યું હતુ




