“રસ્તા નહીં, ભ્રષ્ટાચારના ખાડા!” — પૂર્વ વિરોધ પક્ષના નેતાનો તંત્ર સામે કડક પ્રહાર

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર શહેરમાં દર વર્ષે “થીગડા મારવા” ના નામે નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, છતાં રોડ રસ્તાની હાલત સતત ખરાબ બની રહી છે. જો કામ ગુણવત્તાયુક્ત થતું હોત, તો દર વર્ષે ફરીથી રસ્તા બનાવવા પડતા જ ન હોત — આ જ પ્રશ્ન આજે નાગરિકોમાં ઉઠી રહ્યો છે.
નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે તેઓ આજે કલેક્ટર કચેરી, જિલ્લા કોર્ટ તથા પ્રાંત અધિકારી કચેરી સામે ઉભા રહીને વાસ્તવિક સ્થિતિ રજૂ કરી રહ્યા છે. સ્થળ પર જ સ્પષ્ટ જોવા મળે છે કે રોડ પરથી ડામર ગાયબ છે, કપચીઓ બહાર આવી ગઈ છે અને શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વોર્ડ અને સોસાયટીઓના રસ્તાઓ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયા છે.
આ ફક્ત બેદરકારી નથી —આ સીધો ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો છે!
નગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા રચાઈ, શાસક પક્ષ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને કમિશનની ગોઠવણી થાય છે. વર્ષોથી નિયમોના દુરુપયોગ દ્વારા મનપસંદ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે, જેના કારણે નબળી ગુણવત્તાના રોડ બને છે અને થોડા જ સમયમાં તૂટી જાય છે.
૫૦ વર્ષના શાસન છતાં —
❌ ગુણવત્તા નથી
❌ જવાબદારી નથી
❌ પારદર્શિતા નથી
ફક્ત કાગળ પર વિકાસ — જમીન પર વિનાશ!
જ્યારે તંત્રની કચેરીઓની બહાર જ આ સ્થિતિ હોય, ત્યારે શહેરના સામાન્ય વિસ્તારોની સ્થિતિ કેટલી ભયાનક હશે તે સહેલાઈથી અંદાજ લગાવી શકાય છે.
હવે સમય આવી ગયો છે —આ ભ્રષ્ટ વ્યવસ્થાને સીધો સવાલ પૂછવાનો!
આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષના નામે નહીં,પણ કાર્યના મૂલ્યાંકનના આધારે જાગૃત નાગરિક તરીકે મતદાન કરો.
મંજૂર થયેલા તમામ રોડ રસ્તાની કામગીરી પારદર્શક રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી વહીવટદારશ્રી તથા પ્રાંત અધિકારીશ્રી પાસે કડક માંગ કરવામાં આવે છે.
હિંમતનગરના નાગરિકોને અપીલ —તમારા હક્ક માટે અવાજ ઉઠાવો, જવાબદારી માંગો અને વિકાસને હકીકતમાં ઉતારવા માટે એકજુટ બનો.





