હિંમતનગરના વિદ્યાર્થી અભિષેકને મળ્યો નવજીવન, અમદાવાદ સિવિલમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી માનવતા અને સરકારી આરોગ્ય સેવાઓની અસરકારકતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. હિંમતનગરના ચાંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ ૮માં અભ્યાસ કરતા અભિષેક નામના વિદ્યાર્થીને કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવી જિંદગી મળી છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાના પુત્ર અભિષેક જન્મથી જ એક જ કિડની ધરાવતો હતો. વર્ષ ૨૦૨૪ દરમિયાન તે ગંભીર રીતે બીમાર પડ્યો હતો. તબીબી તપાસમાં સામે આવ્યું કે તેની એકમાત્ર કિડની પણ ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ ગઈ છે, જેના કારણે પરિવાર પર ચિંતા અને નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ મુશ્કેલ સમયમાં સાબરકાંઠા જિલ્લાની RBSK ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા ક્લિનિકલ માર્ગદર્શન આપી ઝડપી રિફરલ પ્રક્રિયા પૂર્ણ કરીને અભિષેકને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ લાંબા સમય સુધી સારવાર અને અવલોકન બાદ તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ અભિષેકનું સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સમગ્ર સારવાર સરકારી સહાય હેઠળ નિઃશુલ્ક કરવામાં આવી હતી.
સફળ સર્જરી બાદ અભિષેકને નવજીવન મળતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છે અને પરિવારજનોએ સરકાર તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
આ ઘટના RBSK ટીમની તત્પરતા અને સરકારી આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા દર્શાવે છે. જિલ્લામાં અત્યાર સુધી ચાર લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જેમાં લગભગ ૧૫૦ બાળકોમાં હૃદયરોગ, ૪૧ બાળકોમાં કિડની સંબંધિત અને ૨૭ બાળકોમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ શોધાઈ છે. તમામ બાળકોને RBSK ટીમ દ્વારા જરૂરી સારવાર અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ રીતે સરકારી આરોગ્ય સેવાઓ આજે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનો કિરણ બની રહી છે.




