ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠામાં ભેળસેળવાળા ગોળનો ખતરો: ફૂડ વિભાગ સુતેલું કેમ? તાત્કાલિક તપાસની ઉઠી માંગ

શીતલ ઠાકર,ગાંધીનગર

રાજ્યના અન્ય જિલ્લામાં થયેલા તાજેતરના ફૂડ તપાસના ખુલાસા બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં પણ દેશી ગોળના નામે વેચાતી વસ્તુઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. મહેસાણા જિલ્લામાં થયેલી તપાસ દરમિયાન કેટલાક ગોળના નમૂનાઓમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતા આરોગ્ય માટે મોટું જોખમ સામે આવ્યું છે.

“રસ મલાઈ” અને “પોપટ છાપ” જેવી બ્રાન્ડમાં ખામી સામે આવતા હવે પ્રશ્ન ઊભો થયો છે કે આવી ભેળસેળવાળી વસ્તુઓ સાબરકાંઠાના બજારમાં પણ પહોંચી રહી છે કે નહીં? જિલ્લો હિંમતનગર જેવા મુખ્ય વેપાર કેન્દ્ર સાથે જોડાયેલો હોવાથી રોજબરોજ મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રીનું આવન-જાવન થાય છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ગોળમાં ભેળવાયેલ સિન્થેટિક ફૂડ કલર માનવ શરીર માટે અત્યંત નુકસાનકારક છે. તે લીવર અને કિડની પર અસર કરે છે તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક બજારમાંથી ગોળના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી તપાસ કરાવવી જરૂરી બની છે. છતાં હાલ સુધી આવી કોઈ સક્રિય કાર્યવાહી સામે આવી નથી, જેને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.

સ્થાનિક સ્તરે હવે માંગ ઉઠી રહી છે કે ફૂડ વિભાગ તાત્કાલિક ચકાસણી હાથ ધરે, જવાબદાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે અને જનતાના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો સમાધાન ન કરે.

જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે અજાણી અથવા અતિ આકર્ષક દેખાતી વસ્તુઓ ખરીદતી વખતે સાવચેત રહેવું અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અંગે તાત્કાલિક અધિકારીઓને જાણ કરવી.

જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય સંબંધિત ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!