પનીર ના નામે ભેળસેળ પર સરકારનો પ્રહાર: Analogue છુપાવશો તો થશે કાર્યવાહી

શીતલ ઠાકર,ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના હોટેલ, રેસ્ટોરન્ટ તથા અન્ય ખાદ્ય વ્યવસાયોમાં “Paneer” તરીકે વેચાતી વસ્તુઓમાં Vegetable Fat થી બનેલા “Analogue Paneer” ના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને હવે પારદર્શિતા ફરજિયાત બનાવવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ અનેક સ્થળોએ ગ્રાહકોને જાણ કર્યા વગર Analogue (Paneer Substitute) નો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને FDCA દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં પણ Analogue Paneer નો ઉપયોગ થતો હોય ત્યાં મેન્યુ કાર્ડ તથા નોટિસ બોર્ડ પર સ્પષ્ટ રીતે તેની માહિતી દર્શાવવી ફરજિયાત રહેશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે Vegetable Fat થી બનેલા ઉત્પાદનોને “Paneer” તરીકે રજૂ કરવું કે વેચવું કાયદેસર ગુનો ગણાશે. આવા ઉત્પાદનોને માત્ર “Analogue” અથવા “Vegetable Fat Paneer Alternative” તરીકે જ દર્શાવવાનું રહેશે.
આ નિર્ણય Food Safety and Standards Act, 2006 તથા સંબંધિત નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે. FDCA દ્વારા રાજ્યભરમાં નિયમિત ચકાસણી, સેમ્પલિંગ અને મોનીટરીંગ હાથ ધરાશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.ખાદ્ય સુરક્ષા વિભાગે ગ્રાહકોને પણ અપીલ કરી છે કે તેઓ ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલાં લેબલની માહિતી ચકાસે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નજીકના Food Safety Officer ને જાણ કરે.આ પગલાથી રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




