ભાજપમાં ભરતી કૌભાંડ આરોપીઓની એન્ટ્રીઃ સાબરકાંઠામાં ફરી નિમણૂક બાદ વિવાદ ભડક્યો

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠનમાં ફરી એકવાર ગંભીર વિવાદ સર્જાયો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષિપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે પેપર લીક કાંડના આરોપી હાર્દિક શર્માની નિમણૂક કરવામાં આવતા પાર્ટીમાં આંતરિક સ્તરે જ સવાલો ઉઠ્યા હતા.

વિવાદ વકરતા અંતે હાર્દિક શર્માએ પોતાનો કોષાધ્યક્ષનો હોદ્દો અસ્વીકાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે નિમણૂક કરતી વખતે જવાબદારોએ ઉમેદવારની પૃષ્ઠભૂમિ તપાસમાં ગંભીર બેદરકારી દાખવી હતી કે કેમ. પાર્ટીની કાર્યપદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

સાથે સાથે હાર્દિક શર્માને કોણની ભલામણથી આ મહત્વના પદ પર નિમણૂક અપાઈ તે અંગે પણ ચર્ચા અને શંકાઓ ઊભી થઈ રહી છે.

જિલ્લા ભાજપ સંગઠન તરફથી જણાવાયું છે કે વ્યસ્તતા કારણે યોગ્ય રીતે ખરાઈ કરવામાં ચૂક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અરવલ્લીના બાયડમાં પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો, જ્યાં ભરતી કૌભાંડના આરોપીને યુવા મોરચા પ્રમુખ બનાવાયા બાદ વિરોધ થતાં તેમને હટાવવામાં આવ્યા હતા.

સતત બીજી વખત આવી ઘટના સામે આવતાં ભાજપ સંગઠનની પસંદગી પ્રક્રિયા અને તપાસ પદ્ધતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.





