સાબરકાંઠા LCBની મોટી સફળતા: હનીટ્રેપ, લૂંટ અને સાપરાધ મનુષ્યવધના ગુનાનો ભેદ ઉકેલાયો, મુખ્ય સૂત્રધાર સહિત 10 આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ સાપરાધ મનુષ્યવધ, લૂંટ અને હનીટ્રેપ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ. 15.85 લાખનો મુદ્દામાલ, જેમાં બે કાર અને 14 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, 21 જુલાઈ 2026ના રોજ દેરોલ ગામની સીમમાં વિજાપુરથી હિંમતનગર તરફ જતા હાઈવે પર એક્ટિવા પર જઈ રહેલા જગદીશભાઈ જીણાભાઈ પ્રજાપતિ પર ચાર શખ્સોએ હુમલો કરી તેમનો મોબાઈલ લૂંટી લીધો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી LCBની અલગ-અલગ ટીમોએ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક સાથે એક મહિલા ગેસ્ટહાઉસ અને હોટલમાં જોવા મળી હતી. ગેસ્ટહાઉસમાંથી મળેલા આધારકાર્ડની તપાસમાં તે ખોટું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મળેલી બાતમીના આધારે પાણપુર નજીક નાકાબંધી કરી બે કારમાં ફરતા શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા હતા.
ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવી ગોઠવાતો હતો હનીટ્રેપ
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ટોળકીનો મુખ્ય સૂત્રધાર પીયુષ પટેલ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી પુરુષોને મિત્રતા માટે ફસાવતો હતો. ત્યારબાદ મહિલાઓ દ્વારા વોટ્સએપ પર વાતચીત કરી મુલાકાત નક્કી કરવામાં આવતી હતી. એકાંત સ્થળે લઈ જઈ અન્ય સાગરિતો પહોંચી મહિલાને પત્ની કે સગી હોવાનું કહી પોલીસ કેસની ધમકી આપી મારપીટ કરી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરતા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી મૃતક જગદીશભાઈને પણ ફસાવવામાં આવ્યા હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે.
કુલ 10 આરોપીઓ ઝડપાયા
આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પીયુષકુમાર પટેલ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા અને વિસનગર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
રૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે
આરોપીઓ પાસેથી પોલીસે બે ચારચક્રી વાહનો અને 14 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 15,85,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેટલાક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ NDPS, લૂંટ, ચોરી, હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી
આ સમગ્ર કામગીરી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને સાબરકાંઠા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.




