સાબરકાંઠામાં ભાજપનો સ્થાપના દિવસ ઉજવણી સાથે ચૂંટણી વિજયનો સંકલ્પ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા-તાલુકા સ્તરના હોદ્દેદારો તેમજ પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના કાર્યકર્તાઓને સજ્જ થવા અને જ્વલંત વિજય મેળવવા માટે હાકલ કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પ્રત્યેક બૂથ સુધી પક્ષની વિચારધારા પહોંચાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

વક્તાઓએ જણાવ્યું કે ૧૯૫૧માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી, જે બાદ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીનું ગઠન થયું હતું. આ વર્ષ ભાજપનો ૪૭મો સ્થાપના દિવસ છે, જે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે.
આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમની કાર્યશૈલી અને દૃઢ નેતૃત્વના વખાણ કરવામાં આવ્યા હતા. એક મતથી સરકાર ગુમાવ્યા છતાં લોકશાહી મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આવનારી તમામ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરવા માટે દરેક કાર્યકર્તાએ સક્રિય રીતે જોડાવું જરૂરી છે.”
કાર્યક્રમના અંતે સૌએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




