હવામાન બદલાતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તંબાકુ ખરીદી એક દિવસ માટે બંધ, ખેડૂતોમાં નારાજગી

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં તંબાકુની ખરીદી આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. બદલાતા હવામાન અને ભેજના કારણે તંબાકુના ગુણવત્તા પર અસર ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લામાં આ વર્ષે તંબાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હોવાથી માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોની ભારે અવરજવર જોવા મળી રહી છે. સવારથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોમાં તંબાકુ લઈને ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા, પરંતુ ખરીદી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવતા તેઓને દિવસભર રાહ જોવી પડી હતી.

ખરીદી અચાનક બંધ રાખવાના નિર્ણયને કારણે ખેડૂતોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો. ઘણા ખેડૂતો તંબાકુ સાથે યાર્ડમાં અટવાઈ ગયા હતા અને તેમને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

વેપારીઓ દ્વારા ખેડૂતોને હવામાનની સ્થિતિ જાણી પછી જ તંબાકુ લઈને આવવા સૂચના આપવામાં આવી છે. યાર્ડ સત્તાધીશો દ્વારા જણાવાયું છે કે હાલ લાવવામાં આવેલ તંબાકુની ખરીદી આવતીકાલથી ફરી શરૂ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોમાં થોડો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.




