સાબરકાંઠાની ચુંટણી ગરમાઈ: ઉમેદવારી ચકાસણી બાદ ૩૦૧ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ
શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થતા હવે પ્રાથમિક તબક્કે ૩૦૧ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને પક્ષો વચ્ચે સત્તા મેળવવા માટે દોડ તેજ બની છે.
આઠ તાલુકા પંચાયતોની ૧૭૦ બેઠકો માટે ભરાયેલા ૭૧૩ ઉમેદવારી પત્રોમાંથી ૨૦૪ પત્રો અમાન્ય ઠરતા ૫૦૯ માન્ય રહ્યા છે, જે દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કટોકટીની ટક્કર જોવા મળશે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ભરાયેલા ૧૬૦ પત્રોમાંથી ૪૫ અમાન્ય અને ૧૧૫ માન્ય થતા અહીં પણ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.
નગરપાલિકાઓમાં પણ જોરદાર સ્પર્ધાનું ચિત્ર સામે આવ્યું છે. હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજની કુલ ૯૭ બેઠકો માટે ભરાયેલા ૨૯૪ ઉમેદવારી પત્રોમાંથી ૪૦ અમાન્ય અને ૨૫૨ પત્રો માન્ય રહ્યા છે. હિંમતનગરમાં ૪૪ બેઠકો માટે ૯૧, ઈડરમાં ૨૮ માટે ૯૧ અને વડાલીમાં ૨૪ બેઠકો માટે ૬૭ ઉમેદવારો મેદાનમાં રહેતા સીધી ટક્કર નિશ્ચિત બની છે.
ચુંટણીના અંતિમ તબક્કા પહેલા જ રાજકીય હલચલ તેજ બની છે. કેટલીક બેઠકો બિનહરીફ બનાવવા માટે પક્ષો દ્વારા ઉમેદવારોને સમજાવવાના તેમજ પ્રલોભનો આપવાના પ્રયાસો શરૂ થયા છે, જે ચુંટણીની પારદર્શકતા પર પ્રશ્નો ઉભા કરે છે.
હવે તા.૧૫ એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ આખરી ચિત્ર સામે આવશે, ત્યારબાદ પ્રતિકોની ફાળવણી સાથે ચુંટણી પ્રચાર જોર પકડશે. હાલ સમગ્ર જિલ્લામાં રાજકીય શતરંજ ગોઠવાઈ રહી છે અને દરેક બેઠક પર જીત માટે કસોટી વધતી જઈ રહી છે.




