હિંમતનગરમાં લવ જેહાદ મુદ્દે વીએચપી-બજરંગ દળનો ઉગ્ર વિરોધ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લવ જેહાદ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા કલેક્ટર કચેરી આગળ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકત્ર થઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ લવ જેહાદ જેવી ઘટનાઓમાં વધારો થતો હોવાનો આક્ષેપ કરી આવા બનાવો સામે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠાવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી દોષિતો સામે કડક કાનૂની પગલાં લેવા રજૂઆત કરી હતી. સંગઠનના આગેવાનોનું કહેવું હતું કે સમાજમાં અશાંતિ ફેલાવતી તથા યુવતીઓને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓને બિલકુલ સહન કરવામાં નહીં આવે.
આંદોલનના ભાગરૂપે મહેતાપુરા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે લવ જેહાદનું પ્રતીકરૂપે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ તંગ છતાં શાંતિપૂર્ણ રહ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો એ ચેતવણી આપી હતી કે જો આવી ઘટનાઓ સામે કડક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા.




