ખુનના ગુનાનો કેદી કલોલના વડસરમાંથી પકડાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
કલોલ તાલુકાના વડસર ગામનો એક શખ્સ ખુનના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અમદાવાદની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. ત્યારે સાત દિવસના પેરોલ પર આવેલ આ શખ્સ ફરીથી જેલમાં હાજર થયો ન હતો. દરમિયાન સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી બાદ તેને સોમવારે વડસરમાંથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કર્યા બાદ સાબરકાંઠા એલસીબીએ તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
આ અંગે એલસીબી પીઆઇ ડી.સી. સાકરીયા તથા સ્ટાફના જણાવ્યા મુજબ એક વર્ષ અગાઉ ખુનના ગુનામાં સંડોવાયેલ વડસર ગામનો અજય ઉર્ફે ચકો ઠાકોર તથા રાહુલ ઉર્ફે ખિસ્કોલી એમ બન્ને જણાએ તિક્ષણ હથીયારથી અમરજીત હોંસલાપ્રસાદ ચૌહાણ પર ઘાતક હુમલો કરી ખુન કર્યુ હતુ. જે અંગે સ્થાનિક કોર્ટે બન્ને ગુનેગાર ઠેરવી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
તો બીજી તરફ અજય ઉર્ફે ચકો દિલીપજી ઠાકોર પેરોલ રજા ઉપર આવ્યા બાદ ફરીથી જેલમાં હાજર થયો ન હતો. તો બીજી તરફ સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી બાદ તેને એલસીબીએ વડસર ગામેથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.




