હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારાઇંગ્લિશ દારૂ તથા બીયર સાથે બે ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પ્રોહી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતા રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બીયર સાથે બે ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ નંગ ૧૨૩ દારૂ અને બીયરના જથ્થા સાથે રૂ. ૬૦,૩૪૦/- તેમજ મોટરસાયકલ સહિત કુલ રૂ. ૧,૧૦,૩૪૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિદ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદેસર પ્રોહી પ્રવૃત્તિઓને રોકવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવા અને અસરકારક દેખરેખ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સૂચનાઓના અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.એમ. ચૌધરી તથા સર્વેલન્સ સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. સોલંકી અને ટીમ સતત વોચ રાખી તપાસમાં હતી.
આજરોજ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન અ.પો.કો. કપિલકુમાર કલ્યાણસિંહને બાતમી મળેલ કે બે ઇસમો બજાજ પલ્સર ૨૨૦ મોટરસાયકલ પર રાજસ્થાનથી ગેરકાયદેસર દારૂ ભરી ભિલોડા-રાજપુર માર્ગે હિંમતનગર તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે રાજપુર પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી.
બાતમી મુજબની મોટરસાયકલ આવતાં પોલીસે રોકવાનો ઈશારો કરતા ચાલકે મોટરસાયકલ ન રોકી યુ-ટર્ન લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે:
(૧) લલીતકુમાર કમલેશભાઈ ડામોર, ઉ.વ. ૨૧, રહે. ખડકાયા ડબાયચા, તા. નયાગામ, જી. ઉદયપુર (રાજસ્થાન)
(૨) દીલીપકુમાર લક્ષ્મણભાઈ ડામોર, ઉ.વ. ૨૧, રહે. ખડકાયા ડબાયચા, તા. નયાગામ, જી. ઉદયપુર (રાજસ્થાન)
તેમના પાસેથી એક પ્લાસ્ટિકનો કોથળો અને ત્રણ કાપડના થેલામાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો અને બીયરના ટીન મળી કુલ નંગ ૧૨૩નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર નં. ૧૧૨૦૯૦૧૭૨૬૦૩૭૮/૨૦૨૬ મુજબ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ) અને ૮૧ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું કે પંકજકુમાર લક્ષ્મણલાલ ડામોર (રહે. ખડકાયા ડબાયચા, તા. નયાગામ, જી. ઉદયપુર, રાજસ્થાન) દ્વારા આ દારૂ પૂરું પાડવામાં આવેલ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




