પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત સુરેશભાઈ સોનીનું અવસાન

સાબરકાંઠા જિલ્લામાં સેવાભાવી વ્યક્તિત્વ તરીકે જાણીતા પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત સુરેશભાઈ સોનીનું હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સુરેશભાઈ સોનીએ જીવનભર કુષ્ઠરોગીઓની નિઃસ્વાર્થ સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. કુષ્ઠરોગીઓની સેવા અને સમાજકલ્યાણ ક્ષેત્રે કરેલા અવિસ્મરણીય યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કુષ્ઠરોગીઓની સતત સેવા અને સંભાળ માટે તેમણે હિંમતનગરના રાજેન્દ્રનગર વિસ્તારમાં સેવા આશ્રમની શરૂઆત કરી હતી, જ્યાં અનેક જરૂરિયાતમંદોને આશરો અને સેવા મળી રહી હતી.
તેમના અવસાનના સમાચારથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સમાજસેવા ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે.





