સાબરકાંઠાનું રાજકીય તાપમાન ચરમસીમાએ, નવ વાગ્યેથી મતગણતરીનો મહાસંગ્રામ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ મંગળવારે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થવા જઈ રહી છે. જિલ્લામાં નિર્ધારિત ૧૨ કેન્દ્રો પર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નેતૃત્વ હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે.સવારના પ્રથમ તબક્કામાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે, ત્યારબાદ ઈવીએમમાં બંધ જનમતના તાળા ખુલી ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા દાવેદારોના રાજકીય ભાવિ પર આખા જિલ્લાની નજર ટકેલી છે.

મતગણતરી કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં ૬૬૯ પોલીસ કર્મચારીઓ સુરક્ષાની જવાબદારી સંભાળશે, જ્યારે ૪૮૧ મતગણતરી સ્ટાફ અને ૨૧૨ વર્ગ-૪ના કર્મચારીઓ ફરજ બજાવશે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર બેરિકેટિંગ, પાણી, લાઈટ અને સફાઈ સહિતની જરૂરી સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.સાબરકાંઠા જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો તેમજ હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાના પરિણામો સાથે અનેક રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે.




