સાબરકાંઠા

પ્રાંતિજ અને તલોદના ઓવરબ્રિજના કામ અંગે ઉઠ્યા સવાલો જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠકમાં સાંસદો-ધારાસભ્યોએ રજૂ કર્યા લોકહિતના પ્રશ્નો

સાબરકાંઠા જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક શનિવારે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન સાંસદો અને ધારાસભ્યોએ જિલ્લાના વિવિધ વિકાસકામો, માર્ગ વ્યવસ્થા, આદિજાતી વિસ્તારોની સમસ્યાઓ અને નેશનલ હાઇવે સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈન્ચાર્જ કલેક્ટર હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગોના અધિકારીઓને વિવિધ પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને વિકાસકામો સમયસર પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.

સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દ્વારા પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામ, મારકંડેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ તથા તલોદ નગરપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે પ્રશ્નો પૂછાયા હતા. સાથે જ સર્વિસ રોડની સ્થિતિ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યસભાના સાંસદ રમિલાબેન બારાએ આદિજાતી વિસ્તારોમાં બાળકોના કુપોષણ, પોષણ ટ્રેકિંગ એપ્લિકેશન, બીએસએનએલ નેટવર્કની સમસ્યાઓ, ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ મળેલી ગ્રાન્ટ, પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ થયેલી કામગીરી, શાળાઓમાં મધ્યાહન ભોજનના શેડ અને વીજ કનેક્શન સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.

ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ આદિજાતી વિસ્તારોમાં ગ્રામ પંચાયત મકાનના બાંધકામ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ મોતીપુરાથી સહકારી સુધીના સર્વિસ રોડને પહોળો કરવાની માંગ સાથે દેરોલ બ્રિજ, ગાંભોઈ નજીક નેશનલ હાઇવે પર ફ્લાયઓવર, પીપલોદી ફ્લાયઓવર અને પીપલોદી ખાતે મહિલાના અકસ્માત મૃત્યુ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત હિંમતનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા, અંડરગ્રાઉન્ડ વીજલાઇન, કડોલી ખાતે સાબરમતી નદી પર બ્રિજ, ખેડતસીયા રોડ પર રેલવે ફાટક અને પ્રોટેક્શન વોલ સહિતના વિવિધ લોકહિતના પ્રશ્નો પણ બેઠકમાં રજૂ કરાયા હતા.

બેઠકના બીજા તબક્કામાં નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ તથા સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આવનારા શાળા પ્રવેશોત્સવ અભિયાન તેમજ ઇડર, વડાલી અને આદિજાતી વિસ્તારોમાં તા. ૧૮થી ૨૫ દરમિયાન યોજાનારા વિશેષ સેવાસેતુ અને હેલ્થ કેમ્પ અંગે પણ આયોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસવડા પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહિવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારીઓ તથા વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!