હિમતનગર

હિંમતનગરના ભીલવાસમાં જૂની અદાવતમાં હુમલો : સાત સામે ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા

ચાર લોકો ઈજાગ્રસ્ત, ધારદાર હથિયાર અને પાઈપથી હુમલાના આક્ષેપ

હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલા ભીલવાસ વિસ્તારમાં જૂની અદાવતને લઈને થયેલા હુમલાની ઘટનામાં સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઘટનામાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જ્યારે અન્ય ચારને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહેશ ભુરાજી ભીલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા. 17 મેની રાત્રે દક્ષાબેન દશરથજી ભીલ, પૂજાબેન જશવંતભાઈ ભીલ, મનિષા ઉર્ફે ગુડ્ડી સુખદેવભાઈ ભીલ, મંગુબેન રત્નાજી ભીલ, રાહુલ લાલાજી ભીલ, જશવંત લાલાજી ભીલ અને રોહિત જીતુજી ભીલ સહિતના લોકો એકસંપ થઈ ધારદાર ચકરડું, ચપ્પુ અને લોખંડની પાઈપ જેવા હથિયારો સાથે આવ્યા હતા.

ફરિયાદ મુજબ અગાઉ થયેલા હત્યાના કેસની ફરિયાદ પાછી ન ખેંચવાના મામલે અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રેમનારાયણ ભીલ પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તેમજ અન્ય લોકો વચ્ચે પડતાં જીતુ ભીલ, જીગર ભાટ અને વિશાલ ભાટને પણ ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી મંગુબેન ભીલ, રાહુલ ભીલ અને જશવંત ભીલની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!