હિંમતનગરમાં હુડા સંપૂર્ણપણે રદ : ૧૧ ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ, વિજયોત્સવ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા) સંપૂર્ણપણે રદ કરવાનો રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયને લઈને ૧૧ ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ, રજૂઆતો અને આંદોલન બાદ સરકાર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારતા આજે ખેડૂતો દ્વારા ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
હુડાના વિરોધમાં છેલ્લા ૧૦૦ દિવસથી વધુ સમયથી ખેડૂતો દ્વારા સતત આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. હુડા સંકલન સમિતિ દ્વારા દેશના વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે બેઠક બાદ આખરે રાજ્ય સરકારે હુડા સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હતો.
હુડા રદ થતા હિંમતનગરના ૧૧ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને સફળતા મળતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ ૨૦૧૫માં પણ હુડા સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા હુડા સંપૂર્ણપણે રદ કરતા ખેડૂતોને મોટી રાહત મળી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.




