પોલીસની ખોટી ઓળખ અને ખોટી નંબર પ્લેટના સહારે ચોરી કરતી આંતરરાજ્ય ‘મીચી ગેંગ’ના ત્રણ સભ્યો ઝડપાયા

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ, ખોટી નંબર પ્લેટો અને ખાસ સાધનોનો ઉપયોગ કરી ગુજરાતમાં ઘરફોડ ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરતી રાજસ્થાનની કુખ્યાત ‘મીચી ગેંગ’ના ત્રણ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એલસીબીની ટીમને બાતમી મળી હતી કે હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ઇસમો સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કારમાં અમદાવાદ તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે ધણધા પાસે ગોલ્ડન હેવન કોમ્પ્લેક્ષ નજીક વાહનને રોકી તપાસ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા હતા.
પકડાયેલા આરોપીઓમાં દિનેશકુમાર ગોપીલાલ માલી (ઉ. 37), રાજેશ ભવરસિંહ રાવત (ઉ. 23) અને મહેન્દ્ર તેજારામ ગુર્જર (ઉ. 26)નો સમાવેશ થાય છે. ત્રણેય રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના રહેવાસી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પોતાની મારુતિ સ્વિફ્ટ કાર (RJ-36-CB-2537) પર GJ-01-KD-1378 તથા અન્ય ખોટી નંબર પ્લેટો લગાવી ગુજરાતમાં પ્રવેશતા હતા, જેથી પોલીસ ચેકિંગ દરમિયાન શંકા ન જાય. તેમની પાસેથી સેલ્ફ ડિફેન્સ મીચી સ્પ્રે, ટોર્ચ, ડિસમીસ, પક્કડ તેમજ પોલીસનું બનાવટી ઓળખકાર્ડ પણ મળી આવ્યું હતું.
પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી કબૂલ કરી હતી. ઉપરાંત મહેતાપુરામાં ચોરીનો પ્રયાસ, અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ઘરફોડ ચોરી અને રાજસ્થાનના ભિલવાડામાં પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, ચાંદીના છડા, ચાંદીના સિક્કા, ત્રણ મોબાઇલ ફોન, મારુતિ સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 4,72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી દિનેશકુમાર માલી સામે ગુજરાત અને રાજસ્થાનમાં ચોરી, લૂંટ, હત્યા, જેલ કાયદાના ભંગ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.
આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા, પીએસઆઈ આર.કે. જોષી, આર.કે. રાવત તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.




