ઈડરના બડોલીમાં ફરી વહ્યું સેવાભાવનું ઠંડું પાણી
માતા-પિતાના સંસ્કારોને પુત્રે આપ્યો જીવંત વારસો, પરબ પર નવી કૂલર મશીન ભેટ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક ગ્લાસ ઠંડુ પાણી પણ અનેક લોકો માટે રાહત અને આશીર્વાદ સમાન બની જાય છે. આવા સમયમાં ઈડર તાલુકાના બડોલી ગામે માનવસેવા અને વતનપ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષોથી ગ્રામજનો અને રાહદારીઓ માટે સેવા આપતી ઠંડા પાણીની પરબ ફરી એકવાર જીવંત બની છે.
બડોલી ગામમાં આવેલી આ પરબનું નિર્માણ વર્ષ ૧૯૯૯માં સ્વ. ગંગાબેન દામોદર ત્રિવેદી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં અહીં ઠંડા પાણી માટે કૂલર મશીન પણ મૂકવામાં આવ્યું હતું, જેનું સંચાલન બડોલી ગ્રુપ ગામ ગ્રામ પંચાયત દ્વારા થતું હતું. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી કૂલર મશીન બગડી જતાં ઠંડા પાણીની સુવિધા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને ગ્રામજનો પરબ સુધી પહોંચતા, પરંતુ ઠંડુ પાણી ન મળતાં નિરાશા અનુભવતા હતા.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા ફરીથી ઠંડા પાણીની સુવિધા શરૂ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. સરપંચ રાજુભાઈ પટેલે સ્વ. ગંગાબેન દામોદર ત્રિવેદીના પુત્ર કમલેશભાઈ ત્રિવેદી, જે હાલ મુંબઈ ખાતે વસવાટ કરે છે, તેમને પરબ માટે નવી કૂલર મશીન આપવાની લાગણીસભર રજૂઆત કરી હતી.
વતનથી દૂર રહેતા હોવા છતાં કમલેશભાઈ ત્રિવેદીએ પોતાના ગામ પ્રત્યેનો લાગણીસભર સંબંધ નિભાવી તાત્કાલિક નવીન કૂલર મશીનનું દાન આપ્યું હતું. સાથે પરબની આસપાસ રંગરોગાન અને જતનની કામગીરી પણ કરાવી હતી. બુધવારે નવી કૂલર મશીન પરબને અર્પણ કરવામાં આવતા ફરી એકવાર ઠંડા પાણીની સેવા શરૂ થઈ હતી.
પરબ પર ફરીથી ઠંડુ પાણી મળતાં ગ્રામજનો અને રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગામલોકોએ જણાવ્યું હતું કે માતા-પિતાના સેવાભાવ, સંસ્કારો અને સમાજ પ્રત્યેની લાગણીનો વારસો સંતાનોમાં જીવંત રહે તેવું આ પ્રેરણાદાયી ઉદાહરણ છે.




