સાબરકાંઠામાં ઘર આંગણે કેન્સર સ્ક્રિનિંગ મહાઅભિયાન ૩પ૦૦થી વધુની તપાસ કરાઈ, ૧૩૬ કેસોમાં નિદાન કરાયું


સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વહેલી તકે નિદાન દ્વારા લોકોના અમૂલ્ય જીવન બચાવવાના હેતુસર ભગીરથ કાર્ય આદરવામાં આવ્યું છે. જે અંગર્તગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ હિંમતનગરના સંયુક્ત સહયોગથી જિલ્લાભરમાં નિઃશુલ્ક કેન્સર સ્ક્રિનિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત ૧ ડિસેમ્બર ૨૦૨૫થી અત્યાર સુધી જિલ્લામાં અંદાજે ૮૦ અંતરિયાળ ગામોમાં કેમ્પોનું આયોજન કરાયું હતું. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે ગ્રામીણ નાગરિકોને ક્યાંય દૂર જવું ન પડયું અને અદ્યતન તબીબી સંસાધનો સાથે તેમના ઘર આંગણે જ નિઃશુલ્ક તપાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. અત્યાર સુધીમાં ૩,૫૦૦થી વધુ ઉત્સાહી લાભાર્થીઓએ આ કેમ્પનો સીધો લાભ મેળવી પોતાની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર તેમજ લોકોમાં સતત વધતા જતા મોઢાના કેન્સરના લક્ષણો પારખવા માટે તદ્દન વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્ક્રિનિંગ અને પ્રાથમિક નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી છે. અભિયાન દરમિયાન ૧૫૪૩ બહેનોની ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે વીઆઈએ ટેસ્ટ, ૨૬૯૮ બહેનોની સ્તન કેન્સર માટેની સઘન તપાસ અને ૧૫૦૨ નાગરિકોની મોઢાના કેન્સર માટે તબીબી ચકાસણી કરવામાં આવી હતી.
સ્ક્રીનિંગના પરિણામે પ્રાથમિક તબક્કે જ ૧૩૬ શંકાસ્પદ કેસો શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ તમામ શંકાસ્પદ દર્દીઓનું આગળનું ઉચ્ચ સ્તરીય તબીબી પરીક્ષણ કરાવતા, તેમાંથી ૬ દર્દીઓમાં કેન્સર પોઝિટિવ હોવાનું ફલિત થયું હતું. જો આ બીમારીની સમયસર ખબર ન પડી હોત તો ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બની શકી હોત. પરંતુ આ અભિયાનના કારણે સમયસર સચોટ તપાસ થતાં જ તમામ ૬ દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે યોગ્ય અને ગુણવત્તાસભર સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તકે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે, હાલમાં સરકાર દ્વારા ૧૪ થી ૧૫ વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી ખૂબ જ અસરકારક વિરોધી રસી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જે પણ કિશોરીઓને આ રસી લેવાની બાકી હોય, તેમના વાલીઓને નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરી સત્વરે રસી અપાવી લેવા અનુરોધ કરાયો છે.



