સાબરકાંઠા

હિંમતનગર અને ઈડર તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી પૂર્ણ, ભાજપે સત્તા મજબૂત કરી

ઈડરમાં ઓબીસી અનામત મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ, સામાન્ય સભામાં ચર્ચાનો માહોલ સર્જાયો

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બાકી રહેલી તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી માટે સોમવારે પ્રથમ સામાન્ય સભાઓ યોજાઈ હતી. જેના અંતર્ગત હિંમતનગર અને ઈડર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક તેમજ પક્ષના નેતાઓની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. બંને તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા મજબૂત કરતાં હોદ્દેદારોને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

હિંમતનગર તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ બેઠકો જીતતા બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી. આ વખતે પ્રમુખપદની બેઠક એસ.સી. અનામત હોવાથી ભાજપે વીરાવાડા બેઠક પરથી ચૂંટાયેલા નરેશભાઈ માવજીભાઈ પરમારને પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા. જ્યારે ઉષાબેન પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ બન્યા હતા.

સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોમાં દેધરોટા બેઠક પરથી ચૂંટાયેલા ભારતસિંહ રતનસિંહ ઝાલાને કારોબારી સમિતિના અધ્યક્ષ, નિર્મલકુમાર સુરેશભાઈ પટેલને દંડક તેમજ વાલજીભાઈ માણકાભાઈ રબારીને શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપાઈ હતી.

બીજી તરફ ઈડર તાલુકા પંચાયતમાં ભાજપના ૧૮ અને કોંગ્રેસના ૧૦ ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં પ્રાંત અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં દિવ્યાબેન ચૌધરી પ્રમુખ, અમૃતજી અળખાજી ઠાકોર ઉપપ્રમુખ, ભાગ્યેશભાઈ પટેલ અધ્યક્ષ, મણીબેન રબારી દંડક અને રાકેશભાઈ પટેલ પક્ષના નેતા તરીકે પસંદ થયા હતા.

જો કે હોદ્દેદારોની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાયો હતો. મુડેટી બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય ધવલભાઈ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પ્રમુખપદ ઓબીસી મહિલા માટે અનામત હોવા છતાં સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા ઉમેદવારને પ્રમુખ તરીકે કેવી રીતે પસંદ કરવામાં આવ્યા. કોંગ્રેસે આ મુદ્દે સ્પષ્ટતા માંગતા બેઠકમાં થોડો ગરમાવો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈડર તાલુકા પંચાયતની નવી બોડીમાં મોટા ભાગના સભ્યો નવા ચહેરા છે. નવી રચના સાથે તાલુકા પંચાયતના રાજકારણમાં નવા સમીકરણો અને નવી દિશા જોવા મળશે તેવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિ પટેલ, ચંદુ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ વિનોદ પરમાર, દિનેશ પટેલ, જીતુ દેસાઈ, રાજેશ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિવાનજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!