વસ્તી ગણતરી-2027નો ગુજરાતમાં પ્રારંભ : જનતાએ જાણવી જરૂરી મહત્વપૂર્ણ માહિતી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરી-2027ની કામગીરી શરૂ થઈ રહી છે. ભારતની આ પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી રહેશે, જેમાં મોબાઈલ એપ અને ઓનલાઈન સિસ્ટમ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવશે. ગુજરાતમાં ઘર-ઘર જઈને વસ્તી ગણતરીની કામગીરી 1 જૂનથી શરૂ થશે.
રાજ્યભરમાં અંદાજે 1.10 લાખથી વધુ સરકારી કર્મચારીઓ, શિક્ષકો, ક્લાર્ક, સુપરવાઈઝરો અને વિવિધ વિભાગોના અધિકારીઓને આ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ઘર-ઘર જઈને માહિતી એકત્રિત કરશે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે “સ્વ-ગણતરી” (Self Enumeration) પ્રક્રિયા 1 જૂન પછી પણ સંબંધિત રાજ્યના હાઉસ લિસ્ટિંગ અને ઘર-ઘર ચકાસણી તબક્કા સુધી ચાલુ રહે છે. કેન્દ્ર સરકાર અને વસ્તી ગણતરી વિભાગની માર્ગદર્શિકા મુજબ સ્વ-ગણતરી માટેનો ઓનલાઈન પોર્ટલ ઘર-ઘર ચકાસણી શરૂ થાય તે પહેલાં લગભગ 15 દિવસ સુધી ખુલ્લો રાખવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં ચકાસણી પ્રક્રિયા શરૂ થયા બાદ પણ અધિકારીઓ દ્વારા ઓનલાઈન માહિતીની પુષ્ટિ કરવામાં આવે છે.
વસ્તી ગણતરી સામાન્ય જનતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે સરકાર ભવિષ્યમાં રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગરીબી નિવારણ, આવાસ, રેશન, ગેસ તથા અન્ય કલ્યાણકારી યોજનાઓ માટેના આયોજનમાં આ આંકડાઓનો ઉપયોગ કરે છે. કયા વિસ્તારમાં કેટલી વસ્તી છે અને ક્યાં કેટલી સુવિધાઓની જરૂર છે તે નક્કી કરવામાં વસ્તી ગણતરી મહત્વની ભૂમિકા ભજવે છે.
વસ્તી ગણતરી દરમિયાન અધિકારીઓ પરિવારના સભ્યોના નામ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય, મોબાઈલ નંબર, રહેઠાણ, પીવાનું પાણી, શૌચાલય, વીજળી, ઈન્ટરનેટ, વાહન તથા અન્ય ઘરેલુ સુવિધાઓ અંગે માહિતી પૂછશે. આ વખતે ડિજિટલ પદ્ધતિથી અંદાજે 33 પ્રશ્નોના જવાબ લેવામાં આવશે.
જનતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે માત્ર સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર ધરાવતા અધિકારી કે કર્મચારીને જ માહિતી આપવી. અધિકારીનું ID Card ચકાસવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિને ATM PIN, OTP, બેંક પાસવર્ડ, UPI PIN અથવા બેંક ખાતાની ગુપ્ત માહિતી આપવાની ફરજ નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે વસ્તી ગણતરી દરમિયાન કોઈ દસ્તાવેજ આપવાની ફરજ નથી.
ખોટી માહિતી આપવી કાયદેસર ગુનો બની શકે છે, તેથી સાચી અને સચોટ માહિતી આપવી જરૂરી છે. સાથે જ જનતાએ પોતાના ખાનગી ડેટા અને બેંકિંગ સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ.




