હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિકમાં ૧૦૮ ફસાઈ

હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તાર ખાતે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. ભારે ટ્રાફિક જામને કારણે હિંમતનગર સિવિલ હોસ્પિટલ તરફ જતી ૧૦૮ એમ્બ્યુલન્સ અંદાજિત ૨૫ મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીના પરિવારજનોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વિડીયોમાં લાંબા ટ્રાફિક જામ વચ્ચે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હોવાનું સ્પષ્ટ જોવા મળતું હોવાનું જણાવાઈ રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર હિંમતનગર નેશનલ હાઈવે સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. અનેક વખત સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી અને અસરકારક ઉકેલ આવ્યો નથી.
ફક્ત મોતીપુરા વિસ્તાર જ નહીં પરંતુ હિંમતનગર શહેરના આંતરિક માર્ગોમાં પણ ટ્રાફિકની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. ખાસ કરીને શાળા-કોલેજના સમયગાળા અને સાંજના વ્યસ્ત સમયમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ જવાની ઘટનાઓને કારણે દર્દીઓના જીવન સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા સાથે અસરકારક આયોજન કરવાની માંગ ઉઠી રહી છે.




