હિંમતનગર નગરપાલિકામાં આંતરિક વિવાદ સપાટી પર
ભાજપના ચૂંટાયેલા સભ્યનો સંગઠન અને પદાધિકારીઓ સામે આક્ષેપોનો પત્ર વાયરલ, રાજકીય વર્તુળોમાં ચર્ચા

સાબરકાંઠા જિલ્લાની નગરપાલિકાઓમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. પ્રાંતિજ નગરપાલિકાનો વિવાદ હજુ તાજેતરમાં જ ચર્ચામાં રહ્યો હતો ત્યારે હવે હિંમતનગર નગરપાલિકામાં આંતરિક અસંતોષ અને જૂથવાદનો મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપના જ એક ચૂંટાયેલા સભ્ય દ્વારા પક્ષના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાની આઠ નગરપાલિકાઓ પૈકી હિંમતનગર નગરપાલિકા હાલમાં આંતરિક વિવાદોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં નગરપાલિકાના વિવિધ વિભાગો અને સમિતિઓની જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણીમાં પક્ષની અંદર જૂથવાદ અને કેટલાક હોદ્દેદારો દ્વારા પોતાના નજીકના લોકોને મહત્વપૂર્ણ ખાતાઓ અને જવાબદારીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
હિંમતનગર નગરપાલિકામાં સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં ભાજપ સંગઠનના કેટલાક હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ટિકિટ ફાળવણી અને ખાતા વહેંચણીમાં પક્ષપાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પત્રમાં ખાસ કરીને ભાજપના સંગઠન મહામંત્રી બિપિન ઓઝા સહિત કેટલાક હોદ્દેદારો પર પોતાના નજીકના કાર્યકરોને ટિકિટ અપાવવા તેમજ મહત્વપૂર્ણ ખાતાઓ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપરાંત, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેટલાક સભ્યોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન ખાતા ફાળવણી અને સમિતિ રચનાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. તે સમયે ગોવિંદસિંહ રાઠોડે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને જાહેરમાં નિવેદનો આપવા અંગે ભાજપ સંગઠન દ્વારા તેમને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોટિસમાં સાત દિવસની અંદર લેખિત ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.
બીજી તરફ, ગોવિંદસિંહ રાઠોડે આગામી દિવસોમાં નગરપાલિકા અને સંગઠન સાથે સંકળાયેલા કેટલાક કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ જાહેર કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર ઘટનાક્રમ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પક્ષની અંદર ઊભા થયેલા આ વિવાદને ભાજપ સંગઠન કેવી રીતે હલ કરે છે, શો-કોઝ નોટિસના જવાબ બાદ શું કાર્યવાહી થાય છે અને આંતરિક મતભેદોને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. જિલ્લા ભાજપ માટે આ મુદ્દો આગામી દિવસોમાં રાજકીય પડકારરૂપ સાબિત થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે.




