સાબરકાંઠા

એલસીબીની સતર્કતાથી વાહનચોરી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો રૂ.૩.૭૫ લાખના ૧૩ ચોરાયેલા બાઈક સાથે સૂત્રધાર સહિત પાંચ ઝડપાયા

ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી સક્રિય રહી અલગ અલગ જિલ્લાઓમાં બાઈક ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગનો સાબરકાંઠા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. એલસીબીની સતર્ક કામગીરી દરમિયાન લાંબડિયા રોડ પરથી સૂત્રધાર સહિત પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂ.૩.૭૫ લાખની કિંમતના ૧૩ ચોરાયેલા બાઈક તથા મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પીઆઈ ડી.સી. સાકરિયા, પીએસઆઈ આર.જે. જાડેજા તથા તેમની ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના બનાવોને લઈ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના કોટડાથી લાંબડિયા તરફ નંબર પ્લેટ વગરની બે બાઈક પર પાંચ શખ્સો આવી રહ્યા છે. માહિતીના આધારે એલસીબીએ લાંબડિયા રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા પાંચેય ઇસમોને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે બાઈકના માલિકીના દસ્તાવેજો માંગતા કોઈપણ શખ્સ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી એલસીબીએ બાઈક કબ્જે લઈ ટેકનિકલ તપાસ અને સતત પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે બાઈક ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ ખેરોજ પોલીસ સ્ટેશનના લાંબડિયા આઉટપોસ્ટ ખાતે વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાંથી ૧૩ બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એલસીબીએ આરોપીઓ પાસેથી ૧૩ ચોરાયેલા બાઈક, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૩,૭૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તમામ આરોપીઓને વધુ તપાસ માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં રણમલ ઉર્ફે રેણા બદારામ ઉર્ફે બદિયા હરચંદા ખેર, પ્રકાશ ઉર્ફે પેરિયા ભુરારામ કેશા બુબડિયા, કિશન ઉર્ફે ક્રિષ્ણા રેશાભાઈ કાળા ખેર, અનિલ મણિયાભાઈ જોરાભાઈ ગમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મહેસાણાના સતલાસણા, બનાસકાંઠાના દાંતા, હિંમતનગર ગ્રામ્ય વિસ્તાર, પાલનપુર, વડાલી, ખેડબ્રહ્મા, શિરોહી, કોટડાના માંડવા તેમજ પોશીનાના ગોલવાડા સહિતના વિસ્તારોમાંથી બાઈક ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!