રાજનીતિ

શિક્ષણમંત્રીએ પોશીનાના દેમતિમેરા અને ગણવામાં બાળકોને પ્રવેશ અપાવ્યો

આંગણવાડીના બાળકને ખોળામાં લઈ માતૃવાત્સલ્ય ભાવ દર્શાવ્યો

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વોપરી પ્રાથમિકતા આપતા અને “ન્યૂ ટુ સ્કૂલ, બેક ટુ સ્કૂલ અને કન્ટિન્યુ સ્કૂલ”ના અભિગમને કેન્દ્રસ્થાને રાખીને આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં ત્રિ દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. શિક્ષણમંત્રી રીવાબા જાડેજા પોશીના તાલુકાની દેમતિમેરા પ્રાથમિક શાળા અને ગણવા સરકારી માધ્યમિક શાળા ખાતે પહોંચ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રીએ આંગણવાડીના એક બાળકને પોતાના ખોળામાં લઈ માતૃવાત્સલ્યનો ભાવ વ્યક્ત કર્યો હતો, જેને જોઈ બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. તેમણે ભૂલકાંઓને તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

દીકરીઓના શિક્ષણમાં નોંધપાત્ર વધારો થયો : શિક્ષણમંત્રી

રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. વર્ષ ૨૦૦૩ પહેલાં દીકરીઓના શિક્ષણ અને શાળા પ્રવેશ અંગે અનેક પડકારો હતા, પરંતુ રાજ્ય સરકારના સતત પ્રયાસોના પરિણામે આજે દીકરીઓના શિક્ષણમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાજરીના પ્રમાણમાં પણ ગુણાત્મક સુધારો નોંધાયો છે.

તેમણે કહ્યું હતું કે દીકરીનું શિક્ષણ માત્ર એક પરિવાર નહીં, પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટે જરૂરી છે. “બેટી બચાવો, બેટી ભણાવો”ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અને અભિયાનો દ્વારા દીકરીઓને શિક્ષણની મુખ્યધારામાં જોડવા પ્રયાસ કરી રહી છે.

વાલીઓને સક્રિય ભાગીદારીની અપીલ

શિક્ષણમંત્રીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણમાં તેમની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે. ટ્રાયબલ વિસ્તારોમાં એકલવ્ય મોડલ સ્કૂલ, હોસ્ટેલ, કસ્તુરબા ગાંધી વિદ્યાલય સહિતની સુવિધાઓ દ્વારા બાલવાટિકાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

ગણવા ખાતે ધોરણ ૧૧-૧૨ માટે ઉચ્ચ માધ્યમિક શાળાની જાહેરાત કરીને તેમણે ગ્રામજનોને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા અપીલ કરી હતી.

અગ્રણી અને અધિકારીઓની ઉપસ્થિતિ

ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો પાયો છે અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોના કારણે દીકરીઓના શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલએ દીકરીના શિક્ષણને સમગ્ર સમાજના વિકાસનો આધાર ગણાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ માટે પ્રશ્ન હોય તો મુલાકાત કરજો
મહત્વપૂર્ણ

શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણમંત્રીએ નાના ભૂલકાઓને માતૃવાત્સલ્યનો ભાવ દર્શાવ્યો તેમજ મોટા બાળકો સાથે મિત્રભાવથી સંવાદ સાધી સૌના દિલ જીતી લીધા હતા.તેમણે હૈયાધારણ આપતાં કહ્યું હતું કે, “બાળકોના શિક્ષણ સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો મારા કચેરીના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે.”

બોક્સ : શાળા છોડનાર દીકરીઓના ઘરે પહોંચી સમજાવટ
વિશેષ

પોશીનાના ડુંગરાળ વિસ્તારોમાં શિક્ષણમંત્રીએ શાળા છોડી દીધેલી બે દીકરીઓના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી.વાલીઓ સાથે ચર્ચા કરીને દીકરીઓને પુનઃ શાળામાં દાખલ કરવા અનુરોધ કર્યો હતો અને શિક્ષકોને વ્યક્તિગત રીતે મદદરૂપ બની તેમને ફરી શિક્ષણ સાથે જોડવા સૂચના આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!