સાબરકાંઠામાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ
૨૨ મ્યુલ એકાઉન્ટ, ૭૩ ફરિયાદો અને રૂ. ૫.૦૪ કરોડના સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો; ચાર આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં સાયબર ગુનાઓ સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, હિંમતનગરે કરોડો રૂપિયાના ઓનલાઇન સાયબર ફ્રોડમાં વપરાતા “મ્યુલ એકાઉન્ટ” રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં ૧૫ વ્યક્તિઓના નામે ખોલાયેલા ૨૨ શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેનો ઉપયોગ દેશભરમાં ઓનલાઇન છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સૂચના મુજબ શરૂ કરાયેલા “ઓપરેશન મ્યુલ હન્ટ” અંતર્ગત ડીજીપી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન **Indian Cyber Crime Coordination Centre (I4C)**ના SAMANVAYA પોર્ટલ અને National Cyber Crime Reporting Portal (NCCRP) પર ઉપલબ્ધ માહિતીનું ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
તપાસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, આઈડીબીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યુકો બેંક સહિત વિવિધ બેંકોમાં ખોલાયેલા ૨૨ શંકાસ્પદ ખાતાઓ મળી આવ્યા હતા. આ ખાતાઓ સામે દેશભરમાં કુલ ૭૩ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. સાયબર સિન્ડીકેટે રૂ. ૫,૦૪,૩૬,૨૯૬ની છેતરપિંડી આચરી હોવાનું તેમજ આ ખાતાઓમાં રૂ. ૩૧,૯૯,૪૩૦ના ટ્રાન્ઝેક્શન થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આ કેસમાં કુલ ૧૬ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી તલોદના હેતકુમાર સોલંકી અને ધ્રુવ દરજી ઉપરાંત હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ રાજસ્થાનના તરુણ વછેટા તથા દીપક તિવારીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત ૧૪ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસ મુજબ આરોપીઓએ કમિશનની લાલચ આપીને પ્રાંતિજ અને તલોદ વિસ્તારના લોકોના નામે વિવિધ બેંકોમાં ખાતાં ખોલાવ્યા હતા. ત્યારબાદ પાસબુક, એટીએમ કાર્ડ, સીમકાર્ડ સહિતની સંપૂર્ણ બેંક કિટ મેળવી રાજસ્થાન અને અમદાવાદમાં કાર્યરત સાયબર સિન્ડીકેટના સભ્યોને પહોંચાડવામાં આવતી હતી. આ ખાતાઓ મારફતે દેશના વિવિધ રાજ્યોના નિર્દોષ નાગરિકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ધ્રુવ દરજી વિરુદ્ધ અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ગુનાનો કેસ નોંધાયેલો છે. સમગ્ર કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, હિંમતનગરની વિશેષ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.




