સાબરકાંઠામાં એક કલાકના ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત… તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી કાગળ પર જ રહી?

હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં એક કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અનેક સ્થળોએ અંદાજે બે-બે ઈંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણવાળા રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર ભૂવો પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના પોશ વિસ્તાર અને બેરણા રોડ સહિત અનેક સ્થળોએ પણ રોડ પર ભૂવા પડતા વાહનો ફસાઈ ગયા હતા. બીજી તરફ હિંમતનગર બાયપાસ પર આવેલા હાથમતી પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના ટાવરચોક, છોટાલાલ શાહ માર્ગ, નવી પાલિકા વિસ્તાર અને સેવા સદન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
**સવાલ એ છે કે, દર વર્ષે વરસાદ પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, તો પછી પ્રથમ જ ભારે વરસાદમાં રોડ પર ભૂવા કેમ પડે છે? નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ક્યારે દૂર થશે?




