પાંચ મહિનાથી નાસતા ફરતા પ્રોહિબિશનના આરોપીને ઇડર પોલીસે ઝડપી પાડ્યો
ભીલોડા ત્રણ રસ્તા નજીક બાતમીના આધારે કાર્યવાહી, આરોપીને તલોદ પોલીસને સોંપવાની તજવીજ

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ ઇડર પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. આશરે પાંચ મહિનાથી ફરાર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગોપાલસિંહ ઉદયસિંહ સિસોદિયા (ઉ.વ. 41), રહે. કપુરાવાટોટા બાડા, તા. જિ. સલૂંબર (રાજસ્થાન), તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. આરોપીને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી તેમજ સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
દરમિયાન ભીલોડા ત્રણ રસ્તા-મોહનપુરા ફાટક નજીક આરોપી હાજર હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની ઓળખ અને રેકોર્ડની ચકાસણી કરતા તે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ તલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. ડી. એસ. રાવલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




